સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. અનેક મુદ્દાઓને લઈ સંસદમાં ચર્ચા કરવામાં આવતી હોય છે પરંતુ આ વખતની કાર્યવાહી દરમિયાન અનેક વખત સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. એક તરફ ભાજપ રાહુલ ગાંધી લંડનમાં આપેલા નિવેદન અંગે માફી માગે તેવી માગ કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ અદાણી મુદ્દાને લઈ તપાસ કરાવવાની માગ સાથે અડગ છે. આ મુદ્દાઓને લઈ સંસદમાં ભારે હોબાળો થતો રહ્યો છે ત્યારે આજે સંસદમાં રાહુલ ગાંધી પહોંચ્યા હતા. સંસદમાં મારી વાત રજૂ કરવા ગયો પરંતુ માત્ર એક મીનિટની અંદર જ સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.
અનેક મિનિટોની અંદર જ સદનની કાર્યવાહી સ્થગિત કરાઈ
લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ ભારતમાં હોબાળો થઈ રહ્યો છે. ભાજપ એવી માગ કરી રહી છે કે રાહુલ ગાંધી દેશની માફી માગે. જ્યારે અદાણી મુદ્દાને લઈ કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિદેશથી પરત ફર્યા તે બાદ રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા હતા. સ્પીકર પાસે બોલવાનો સમય પણ માગ્યો હતો. ભારે હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. બે વાગ્યા બાદ સંસદની કાર્યવાહી શરૂ થઈ તો માત્ર મિનિટોની અંદર જ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
સંસદમાં બોલવા માગું છું - રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોતાની પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું આજે સંસદ ગયો હતો અને સ્પીકરને મળ્યો હતો. મેં સ્પીકરને કહ્યું કે હું સંસદમાં બોલવા માગું છું. હું મારી વાત રજૂ કરવા માગું છું. સરકારના ચાર મંત્રીઓએ ગૃહમાં મારા પર આક્ષેપો કર્યા છે. તેથી મને મારા મનની વાત કહેવા દેવી જોઈએ. જોકે મને લાગે છે કે મને બોલવાની છૂટ આપવામાં આવશે. આજે હું આવ્યો તેની એક મિનિટ બાદ ગૃહ સ્થગિત કરવામાં આવ્યું હતું.
અદાણી મુદ્દે પ્રધાનમંત્રી ડરી રહ્યા છે - રાહુલ ગાંધી
લંડનમાં આપેલા નિવદેનને લઈ રાહુલ ગાંધીએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે મારા ભાષણમાં એવી એક પણ વસ્તુ ન હતી જે મેં પબ્લિક રેકોર્ડથી પ્રાપ્ત નથી કરી. આ તમામ વસ્તુઓ મામલાને ડિસ્ટ્રેક્ટ કરવાનો છે. પ્રધાનમંત્રી મોદી અદાણી મુદ્દાને લઈ ડરી રહ્યા છે. તે જણાવે કે અદાણી સાથે તેમનો શું સંબંધ છે.
હું સાંસદ છું અને સંસદ મારૂ મંચ છે - રાહુલ ગાંધી
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લંડનમાં આપવામાં આવેલા ભાષણ અંગે સંસદમાં વિસ્તારથી આ અંગે જવાબ આપીશ. હું સાંસદ છું અને સંસદ મારૂ મંચ છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ વચ્ચે શું વાતચીત થઈ તે અંગેનો જવાબ આપવો જોઈએ. વડાપ્રધાન મોદી આનો જવાબ નથી આપી શક્યા. હું લોકસભાનો સદસ્ય છું. મારી જવાબદારી પોતાની વાત સંસદમાં રાખવાની છે. જો કાલે મને સંસદમાં બોલવાનો મોકો મળશે તો ત્યાં હું આ મુદ્દે વિસ્તારથી જવાબ આપીશ. મને લાગે છે કે મને પાર્લિયામેન્ટ હાઉસમાં બોલવાનો મોકો નહીં મળે.
અનેક વખત સંસદની કાર્યવાહી કરાઈ છે સ્થગિત
સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા રાહુલ ગાંધી પહોંચ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ કરતા પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં લંડનમાં ભારત વિરૂદ્ધ કઈ પણ નથી કહ્યું. જો મને સંસદમાં બોલવાનો મોકો મળશે તો પોતાની વાત રજૂ કરીશ. મને લાગે છે કે મારુ બોલવું ભાજપને પસંદ નથી. રાહુલ ગાંધીના નિવેદનને લઈ સંસદમાં અનેક વખત ભાજપ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે જેને લઈ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. આજે પણ સવારે કાર્યવાહી શરૂ થઈ તો હોબાળાને કારણે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. બે વાગ્યા બાદ કાર્યવાહી શરૂ થઈ ત્યારે અમુક મિનિટોની અંદર જ આવતી કાલ સુધી સ્થગિત કરવામાં આવી છે.






.jpg)








