ગુજરાત સરકારએ PMJAYને લઇને બજાજ સાથે કર્યા કરાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-11-12 21:39:08

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

આ એગ્રીમેન્ટથી રાજ્ય સરકારને વર્ષે અંદાજિત ૧,૧૦૦ કરોડથી વધુનો ફાયદો થશે. આ બચત થયેલા નાણાંનો ઉપયોગ રાજ્ય સરકાર અન્ય જનકલ્યાણકારી યોજનાઓ અને આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવવા માટે કરી શકશે, જે નાગરિકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગરીબ પરિવારોને આરોગ્ય કવર આપતી યોજના છે જેમાં ગુજરાતમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ૧.૦૩ કરોડ પરીવારો લાભ લઇ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ યોજનામાં પરીવાર દીઠ બજાજ ઇન્સ્યોરન્સ કંપનીને રૂ.૩,૭૦૮ પ્રિમીયમ ચુકવવામાં આવે છે. પોલિસી-9 દરમિયાન, યોજના હેઠળ રૂ. ૩૬૫૭.૨૪ કરોડના કુલ ૧૩,૬૦,૯૭૭ દાવા નોંધાયા હતા. આ એગ્રીમેન્ટ થવાથી રાજ્ય સરકાર દ્વારા પરીવાર દીઠ હવેથી રૂ. ૨,૬૭૯ નું પ્રિમીયમ ચુકવવામાં આવશે.

આ ઉપરાંત આ એગ્રીમેન્ટના કારણે બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા આ યોજનામાં દાખલ થનાર નવા ૧.૫૧ લાખ નાગરીકોનું પ્રિમીયમ પણ માફ કરવામાં આવશે. આ એગ્રીમેન્ટ ગુજરાત સરકારના આર્થિક વ્યવસ્થાપન અને નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થશે. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, અધિક નિયામક શ્રી હિતેશ બ્રહ્મભટ્ટ, બજાજ કંપનીના પ્રતિનીધી શ્રી હિમાંશુ રોય અને ઉદયપ્રતાપ સિંધ ઉપસ્થિત રહ્યાં હતા. એગ્રીમેન્ટથી રાજ્ય સરકારને વર્ષે અંદાજિત રૂ. ૧,૧૦૦ કરોડથી વધુની બચત થશે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા પરીવાર દીઠ રૂ. ૨,૬૭૯નું પ્રિમીયમ ચુકવાશે તથા યોજનામાં નવા દાખલ થનાર નવા ૧.૫૧લાખ નાગરીકોનું પ્રિમીયમ પણ માફ કરાશે. 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.