પીએમઓ અધિકારી બની બેઠેલા ઠગની જમ્મુ-કાશ્મીર પોલીસે કરી ધરપકડ, ગુજરાતના ઠગે અનેક અધિકારીઓ સાથે કરી હતી બેઠકો


  • Published By :
  • Published Date : 2023-03-17 15:06:04

જમ્મુ-કાશ્મીર પોલીસે અમદાવાદમાં રહેતા કિરણ પટેલની ધરપકડ કરી લીધી છે. પીએમઓના એડિશનલ ડાયરેક્ટરની ખોટી ઓળખ બતાવી વીઆઈપી સુવિધાઓનો લાભ લેતા કિરણ પટેલના રાજનેતાઓ સાથેના ફોટો સામે આવ્યા છે. ઠગ અધિકારી બની બેઠેલા કિરણ પટેલે મુલાકાત દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં અનેક બેઠકો કરી હતી. સોશિયલ મીડિયા પર કિરણ પટેલના અમિત શાહ સાથેના ફોટો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં ચાર્ટર્ડ પ્લેન સાથેના ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. લોકોને ઈમ્પ્રેસ કરવા કિરણ પટેલે પીએમઓના અધિકારી તરીકેનું વિઝિટિંગ કાર્ડ પણ બનાવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં પણ પોતાની ઓળખ પીએમઓ અધિકારી તરીકેની બતાવી હતી અને તમામ પ્રકારની વીઆઈપી સુવિધાઓ લીધી હતી.

    


પીએમઓ અધિકારી બની લીધી તમામ વીઆઈપી સુવિધા   

ગુજરાતના રહેવાસીની ધરપકડ જમ્મુ-કાશ્મીરમાંથી કરવામાં આવી છે. વાત એમ છે કે જમ્મુ-કાશ્મીરમાં ગુજરાતના નિવાસી કિરણ પટેલે પોતાને પીએમઓ ઓફિસર હોવાનું જણાવ્યું અને મળતી તમામ ફેસિલિટી લીધી હતી. પોતાને તેણે પીએમઓનું એડિશનલ ડાયરેક્ટર બતાવ્યો અને ઠગે ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટ પ્રૂફ એસયુવી સહિત અનેક સુવિધાઓનો લાભ લીધો હતો. ત્યારે લોકો કહી રહ્યા છે કે આવા લોકો પીએમ અને ગુજરાત બંનેનું નામ બગાડશે.



કિરણ પટેલની ફેસબુક પોસ્ટ.

પોલીસને શંકા જતા ઠગને લઈ તપાસ શરૂ કરી હતી         

જે ઠગ વ્યક્તિએ પીએમઓના અધિકારી હોવાનું જણાવ્યું હતું તેની ધરપકડ 10 દિવસ પહેલા કરવામાં આવી હતી. પોલીસને શંકા જતા આ અંગે તપાસ કરાઈ હતી પરંતુ આ માહિતીને ગુપ્ત રાખવામાં આવી હતી. પરંતુ પોલીસે ખુલાસો કર્યો કે ગુરૂવારે પોલીસે આ ઠગની ધરપકડ કરી લીધી છે. શંકા જતા પોલીસે તપાસ શરૂ કરી અને જે દરમિયાન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને લઈ માહિતી એકત્ર કરવામાં આવી હતી.  પોલીસની તપાસ દરમિયાન અનેક ખુલાસા થયા હતા. પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે પોતાને પીએમઓ અધિકારી બતાવનાર કિરણ પટેલ અમદાવાદના ઈસનપુરનો નિવાસી છે. થોડા સમય પહેલા સીંધુભવન ખાતે નવો બંગલો લીધો હતો.    

PMOનું આઈડી કાર્ડ.

સોશિયલ મીડિયા પર પીએચડી કર્યું હોવાનો ઉલ્લેખ  

પોતાના ટ્વિટરના બાયોમાં તેણે પીએચડી કર્યું હોવાનું લખ્યું છે. આ અંગે પણ પોલીસ તપાસ કરી શકે છે. આ ઠગે જમ્મુ-કાશ્મીરની મુલાકાત ફેબ્રુઆરીમાં લીધી હતી. પોતાના પ્રવાસ દરમિયાન વીઆઈપી સુવિધાઓ લીધી હતી જેમાં બુલેટપ્રુફ ગાડી, ઝેડ પ્લસ સિક્યોરિટીનો સમાવેશ થાય છે. પોતાના પ્રવાસના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેમાં સીઆરપીએફ જવાનો પણ જોવા મળે છે.  

   

પોલીસ પ્રોટેક્શન વચ્ચે ફર્યો કાશ્મીરમાં 

આરોપી કિરણ પટેલે જમ્મુ-કાશ્મીરમાં પીએમઓ ઓફિસર બની અનેક અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. એડિશનલ ડાયરેક્ટર બનીને તેણે જમ્મુ કાશ્મીરમાં પોલીસ પ્રોટેક્શન પણ મેળવ્યું હતું. પોલીસ પ્રોટેક્શન લઈ અને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઠગે શ્રીનગરના લાલચોક તેમજ ગુલમર્ગની પણ  મુલાકાત લીધી હતી. મળતી માહિતી અનુસાર જમ્મુ કાશ્મીર પોલીસને નકલી અધિકારી અંગેની માહિતી મળતા હોટલમાંથી જ કિરણ પટેલની ધરપકડ કરી લેવામાં આવી હતી.   


કિરણ પટેલ પર લાગેલા છે ઠગાઈના આરોપ  

આ અંગે તેમના પત્નીને જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે જણાવ્યું કે કિરણ કાશ્મીરના ડેવલપમેન્ટ માટે ગયા હતા અને ત્યાં તેમને કોઈએ ફસાવી દીધા છે. અમારા જે જૂના કેસ છે તે તો બધા પતી ગયા છે અને કેસ પણ ક્લોઝ થઈ ગયા છે. એવી પણ વિગતો સામે આવી રહી છે કે કિરણ પટેલ વિરૂદ્ધ 6-7 વર્ષ પહેલા કરોડો રુપિયાની ઠગાઈ કરવાનો આરોપ લાગ્યો છે. વિવિધ કલમો અંતર્ગત તેની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.