ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?
૧૫ ઓગસ્ટ ૧૯૮૮નો એ લોહિયાળ દિવસ ગુજરાત ક્યારેય નઈ ભૂલે. જયારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા પર ગોંડલના સંગ્રામસિંહ હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમમાં અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીબાર કરતા પોપટભાઈ સોરઠીયાનું મૃત્યુ થયું હતું . આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી હતી. આ પછી અનિરુદ્ધસિંહ જાડેજાને ટાડા એક્ટ હેઠળ સજા થઇ હતી , પરંતુ આ પછી ૨૦૧૮માં ગુજરાત સરકારે સજામાફી આપી હતી. તો હવે ગુજરાત સરકારની આ સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પૂર્વ MLA પોપટભાઈ સોરઠીયાના પૌત્ર દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી હતી . આ પિટિશનમાં રજુઆત કરાઈ હતી કે , તા ૨૯-૧-૨૦૧૮ના રોજ તત્કાલીન જેલોના એડીજીપી ટી.એસ. બિષ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો હતો તેના આધારે સજા માફી અપાઈ છે . કારણ એવું અપાયું છે કે , જાડેજાએ ૧૮ વર્ષનો જેલવાસ ભોગવ્યો છે પરંતુ , સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ આજીવન કેદની સજા એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. સમગ્ર મામલામાં રાજ્ય સરકાર દ્વારા ખોટી રીતે નિર્ણય લેવાયો છે.
તો હવે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હસમુખ ડી સુથારે આ બાબતે , સરકારના સત્તાધીશો અને જેલના સત્તાધીશોનો ઉઘાડો લીધો હતો . જસ્ટિસ હસમુખ ડી. સુથારે અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફીનો લાભ આપવા મુદ્દે વહેલા જેલમાંથી મુક્ત કરવા મામલે સીધા સવાલો કર્યા હતા. હાઇકોર્ટે આ બાબતે સરકારની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. આ આખી સુનાવણી ત્રણ કલાક ચાલી હતી . સાથે જ નામદાર હાઇકોર્ટે , જેલ વિભાગના અધિકારીને સજા માફીના લાભની નીતિ અંગે સવાલો કરતા તેઓ સંતોષજનક જવાબો આપી નહોતા શક્યા. વાત કરીએ , અનિરુદ્ધસિંહ રીબડાની તો , પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં ટાડા એક્ટની જોગવાઈ હેઠળ ધરપકડ કરી ટ્રાયલ ચાલ્યો હતો , જેમાં મહત્વના સાક્ષીઓ ફરી જતા બને આરોપીઓ નિર્દોષ છૂટ્યા હતા . જેની સામે સરકાર દ્વારા અપીલ કરવામાં આવતા , તા ૧૦ - ૭ - ૧૯૯૭ના રોજ સુપ્રીમકોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી. પ્રશ્ર્ન એ થયો છે કે , હવે શું અનિરુદ્ધસિંહ રીબડાનો ફરી જેલવાસ થઇ શકે છે? રાજકોટના ગોંડલના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં હવે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી ફગાવવામાં આવી છે. જામીન અરજી ગોંડલ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.