રાજ્ય માટે આગામી 24 કલાક 'ભારે', આજી ડેમ અને ભાદર ડેમ ઓવરફ્લો, નર્મદા ડેમની સપાટી 36 સેમી વધી


  • Published By :
  • Published Date : 2023-07-23 17:39:57

રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ થઈ રહ્યો છે, સતત અને ભારે વરસાદથી લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે હજુ થોડા દિવસ મુશળધાર વરસાદથી રાહત મળવાની કોઈ શક્યતા જોવા મળતી નથી. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 24 કલાક ભારે રહેવાની સંભાવના વ્યક્ત કરીને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને ક્યાંક અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ છે. 23 અને 24 તારીખે વરસાદનું જોર ગુજરાત પર રહ્યા બાદ સિસ્ટમ દૂર થવાથી વરસાદ ઘટી જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આજે પણ રાજ્યમાં રેડ અને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ રહેશે.


આ જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ


આગામી 24 કલાક માટે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ પણ છે. જેમાં જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, ભાવનગરનો સમાવેશ કરાયો છે અહીં કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. કચ્છ, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, ભરૂચ, વડોદરા અને આણંદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ વરસાદના કેટલાક સ્પેલ ભારે થવાની શક્યતાઓ છે. આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આવતી કાલે મહેસાણા. બનાસકાંઠા. સાબરકાંઠા. દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, એવલ્લી, નવસારી, વલસાડ, અને જૂનાગઢ ગીર સોમનાથમાં યલ્લો એલર્ટ આપવામાં આવી છે.


આજી નદી ગાંડીતુર બની


રાજકોટમાં શનિવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે આજી નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે રામનાથ મહાદેવ મંદિર પાસે નદીમાં બીજી વખત ઘોડાપૂર આવ્યું છે.


આજી ડેમ 01 અને  ભાદર ડેમ 01 ઓવરફ્લો 


ભારે વરસાદના પગલે રાજકોટ શહેરને પૂરું પાડતો. આજી ડેમ 01 પણ ઓવરફ્લો થયો હતો. ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્રનો સૌથી મોટો બીજા નંબરનો ડેમ ભાદર ડેમ 01 પણ ઓવરફ્લો થયો હતો. ભાદર 01 ડેમ રાજકોટ, ગોંડલ, જેતપુર શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે. નીચાણવાળા 30 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.


સરદાર સરોવર ડેમની જળ સપાટી  36 સેમી વધી


સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં 18 કલાકમાં 36 સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 89,555 ક્યુસેક પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી હાલ 127.86 મીટર છે. RBPH અને CHPHના તમામ પાવર હાઉસ ચાલુ કરાયા છે. નવા પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ 80 ટકા ભરાયો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે