લિખતે-લિખતે લવ હો જાય આ એડ તો તમે બાળપણમાં ટીવી પર જોઈ જ હશે. જે પેન માટે આ એડ બની તે Rotomac Pen પણ તમે જોઈ હશે. આજકાલ આ પેન મેકર કંપની કાયદાકીય આંટીઘુટીમાં ફસાઈ છે. રોટોમેક કંપની પર 750 કરોડ રૂપિયાની બેંક ફ્રોડનો આરોપ લાગ્યો છે જેના પગલે CBIએ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ કાનપુર સ્થિત રોટોમેક ગ્લોબલ અને તેના ડિરેક્ટરો સામે ઈન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)સાથે જોડાયેલી બેંકોના કન્સોર્ટિયમ સાથે રૂ. 750.54 કરોડની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 90ના દશકમાં રોટોમેક ગ્લોબલ કંપનીની સ્થાપના થઈ હતી.
રોટોમેક કંપની પર2,919 કરોડનું દેવું
રોટોમેક કંપની પર બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની 7 બેંકોના કન્સોર્ટિયમનું કુલ રૂ. 2,919 કરોડનું દેવું છે. જેમાં સૌથી મોટો 23 ટકા હિસ્સો ઇન્ડિયન ઓવરસીઝ બેંકનો છે. CBIના અધિકારીના જણાવ્યા પ્રમાણે તેઓએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 120-બી (ગુનાહિત કાવતરું), 420 (છેતરપિંડી) હેઠળ ફર્મ અને તેના ડિરેક્ટરો સાધના કોઠારી અને રાહુલ કોઠારી વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
કંપની સામે મની લોન્ડરિંગની તપાસ
CBI ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ પણ કંપની વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. 28 જૂન, 2012ના દિવસે ફર્મને રૂપિયા 500 કરોડની બિન ભંડોળ આધારિત મર્યાદા ફાળવવામાં આવ્યા હતા. તેમના ખાતાને 30 જૂન, 2016ના રોજ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) જાહેર કરવામાં આવ્યું હતું. તે સમયે તેની પાસે રૂપિયા 750.54 કરોડનું બાકી હતું.






.jpg)








