સવાર પડ્યે આ સમાચાર જુઓ ત્યારે બાબા સાહેબનો આભાર માનજો


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-15 18:59:13

વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે?   છોકરીએ લગ્ન ક્યાં કરવા તે. 

Kinjal Rabari official

આ શરમની આજે વાત કરવી છે.. દરરોજ સવાર પડેને ફલાણા સમાજની છોકરી ભાગી ગઈ અને ફલાણા સમાજના લોકો છોકરીને પાછી લઈ આવ્યા જેવા સમાચારો ઓછા હોય એમ કચ્છમાંથી હમણાં જ સમાચાર સામે આવ્યા કે ૧૯ વર્ષની દિકરી ૨૧ વર્ષના છોકરા સામે પ્રેમલગ્ન કરવા ગઈ તો એના સગા બાપ અને મામા-બાપાના ભાઈઓએ ભેગા મળીને બંનેને મારી નાખ્યા. પીડાની વાત એ છે કે આમાં તો બાપ પાસે શરમ જેવુ કોઈ વિશેષ બહાનું ય નહોતુ કેમ કે બંને એક જ સમાજના એટલે કે રબારી હતા. સ્થાનિકો કહી રહ્યા છે એ મુજબ આ બધુ થવાનું કારણ જે આરોપીઓ પકડાયા એમાં પિતા સિવાયના જેટલા લોકો છે એ ખુબ નાની ઉંમરના અને યુવાન છે. એવા લોકો જેમણે હજુ પોતાની જાતને સાબિત નથી કરી. પોતાના દમ પર ઈજ્જત એટલે શું એની સમજ નથી એ લોકો ઈજ્જતના નામ પર પોતાની બહેન અને કોઈકના ૨૧ વર્ષના છોકરાને મારી નાખે છે.

DesiTicketwala

ખુબ પ્રોગ્રેસીવ ગણાતો બ્રાહ્મણ સમાજ કિંજલ દવેના લગ્ન વખતે છોકરીની સામે ઉભો રહી જાય છે. આરતી સંઘાણીનો કિસ્સો બધાએ જાણ્યો છે. પણ કિંજલ રબારીના કિસ્સામાં તો ઉત્તર ગુજરાતની આ ગાયીકા જે બે દિવસ પહેલા વીડિયો બનાવતી હતી પોતાના પ્રેમી અશોક ચૌધરીને  મારવા પાછળ પડેલા લોકો સામે એ બંને સમાજો.. ચૌધરી અને રબારી સમાજ. વૈમનસ્ય અને વેર ના ફેલાય એવુ કહીને એ પુખ્ત વયના છોકરા છોકરી પાસેથી જીવનસાથી પસંદ કરવાનો મૂળભૂત અધિકાર છીનવી લે છે.

Geniben - Banas ki bahan

ભલે સીધી લીટીમાં ના દેખાય પણ આમાં ય વોટબેન્ક પોલિટીક્સ ખુબ મહત્વનો ભાગ ભજવે છે. છોકરીઓ લગ્નમાં છેતરાય છે એવુ કહીને લગ્ન નોંધણીમાં સરકાર સુધાર લાવી. નોંધણી કરવાના નિયમોમાં કરેલા ફેરફારો આવકારદાયક હતા જેથી છોકરીઓ છેતરાય નહીં અને કોઈ છોકરીઓનો ફાયદો ના ઉઠાવી જાય. પણ આખી વાતને રજૂ એ રીતે કરવામાં આવી જાણે સરકાર મા-બાપની સંમતિ વગર લગ્ન જ નહીં થવા દે. બોલતી વખતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ ખબર જ હતી કે પ્રેમ લગ્ન પર રોક લગાવવાની સત્તા એમના હાથમાં નથી. પણ સમાજોના રૂઢીવાદી માણસોને ખુશ કરવાની લાલચે જે કાયદો એ લાવી નથી શકતા એનો પ્રચાર એ રીતે કર્યો કે આ કથિત ભાગેડુ લગ્નો સામે સરકારે રોક લગાવી છે… પુખ્ત વયના કોઈ પણ વ્યક્તિઓને પોતાની મરજીથી લગ્ન કરતા રોકવા એ બંધારણે આપેલા મૂળભૂત હકોનું હનન છે. અને રાજ્ય સરકાર પાસે એ સત્તા જ નથી કે એમાં એ કોઈ પણ કાનૂન લાવી શકે. ઈનફેક્ટ કેન્દ્ર સરકાર પણ બંધારણની આત્માને નુકસાન પહોંચે એવા કોઈ જ ફેરફાર નથી લાવી શકતી. કેશવાનંદ ભારતીનો ચુકાદો એ વાતનો સાક્ષી છે. પણ છતાય રાજનેતાઓની વોટબેન્કની લાલચ એમને દેશના બંધારણને ઠેબે ચઢાવીને સમાજોના વ્યક્તિગત બંધારણ સુધી લઈ જાય છે.

અલ્પેશ ઠાકોરે સમાજને જગાડવાના નામ પર કરેલુ શક્તિપ્રદર્શન હોય કે ગેનીબેન ઠાકોરની લવ મેરેજ સામે કરાયેલી ટિપ્પણીઓ. રબારી સમાજે ભેગા થઈને ઘડેલુ બંધારણ હોય કે બાકી સમાજના આ દિશામાં થયેલા પ્રયત્નો. દરેકનો મૂળ આશય તો સ્ત્રીઓને ગમે તેમ કરીને અંકુશમાં લેવાનો હતો. હમણાં જ એક સરસ ગુજરાતી ફિલ્મ આવી હતી જેમાં એક ડાયલોગ હતો કે ઉડતા બૈરા તો તમને ક્યાંથી ગમે… અને એટલે જ સમાજના એક હિસ્સામાં થતા છેતરપીંડીના કે સ્ત્રી સ્વાતંત્ર્યના દુરપયોગના કિસ્સાઓના બહાના બતાવીને સમાજો પ્રયત્ન કરી રહ્યા છે સ્ત્રીઓને ફરીથી પાંજરામાં બંધ કરવાનો. કોઈ સમાજનો છોકરો તો ભાગતો નથી. ભાગે ખાલી છોકરીઓ જ છે. સો.મીડિયા સમાજના છોકરાઓને નથી બગાડતુ. બગડે ખાલી છોકરીઓ છે. 

Geniben - Banas ki bahan

જો કે દુર્ભાગ્ય એ છે કે આ એ રાજ્યમાં થઈ રહ્યું છે જ્યાંથી નરસિંહ મહેતા જેવા કવિઓએ ક્રાંતિ કરી. જ્યાં આપણી પાસે નર્મદનું ડાંડીયો અને કરસન દાસ મૂળજી જેવા સુધારક પત્રકારો હતા. આખી દુનિયાની ટીકા કરતા એ વાતનો ઉલ્લેખ તો ખાસ કરવો પડે કે રબારી સમાજની કિંજલને જબરદસ્તી, અથવા સમજાવી ફોંસલાવી અથવા ડરાવી અથવા કોઈ પણ રીતે પાછી લાવવાની ઘટનામાં મીડિયા સમાજને દિશા બતાવનારુ બનવાની જગ્યાએ એ ભીડનો હિસ્સો બન્યું જે ગુજરાતની શરમ છે. એક સમયે કરસનદાસ મૂળજી આપનાર ગુજરાતી પત્રકારત્વ રબારી સમાજને છોકરી પાછી લઈ આવ્યા અને એકતાની જીત થઈ જેવી વાતોથી અભિનંદન આપતુ હતુ. કદાચ આનાથી નીચેના સ્તર પર જવુ હવે બાકી નથી રહ્યું. બધા પાયા ભેગા થઈને સડી જાય ત્યારે વર્તમાન ગુજરાતના સામાજિક મુદ્દાઓ પેદા થાય. અને એટલે જ અણગમતા થઈશું.

Karsandas Mulji - Wikipedia

 કોઈને નહીં ગમીએ એ ખબર હોવા છતા ગુજરાતની સ્ત્રીઓને યાદ કરાવવુ છે કે બાબાસાહેબ આંબેડકરનો આભાર માનજો. ગુજરાત રાજ્ય તરફથી દેશની બંધારણ સભામાં રહેલી એ હંસા મહેતા જેવી સ્ત્રીઓને યાદ કરજો. જો એ લોકો ના હોત તો કદાચ હજુ ય સ્ત્રીઓ ગર્ભમાં જ મરતી હોત.

B. R. Ambedkar - Wikipedia



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે