અમદાવાદના 18 વર્ષના પ્રિન્સ સાથે એ દિવસે શું થયું કે ત્રણ જ મિનિટમાં એ લાશ બની ગયો...


  • Published By : Admin
  • Published Date : 2024-12-10 19:33:27

એક ઈન્જેક્શન, વધુ માત્રા અને જિંદગી બરબાદ

6 ડિસેમ્બર અને શુક્રવારનો દિવસ, એક વિદ્યાર્થીની લાશ ઘોડાસર તળાવ પાસે પડી છે એવા સમાચાર પોલીસને મળે છે. એ નિશ્ચેતન પડેલુ શવ 18 વર્ષના પ્રિન્સ શર્માનું હતુ. જેનો પરિવાર મૂળ રાજસ્થાનનો છે. અને અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે. પ્રિન્સ દહેગામ પાસે આવેલી મોનાર્ક યુનિવર્સીટીમાં ભણે અને કૉલેજ જવાનું કહીને શુક્રવારે પણ ઘરેથી નીકળ્યો હતો. પણ કૉલેજ જવાની જગ્યાએ પ્રિન્સ ઘોડાસર તળાવ પર પહોંચ્યો, ત્યાં મિત્ર જયદીપ સુથારને મળ્યો. જયદીપ ખાનગી હોસ્પિટલમાં નર્સનું કામ કરે છે. અને વધારે પૈસા કમાવવાની લાલચ એને એ હદ સુધી લઈ ગઈ કે ઓપરેશન પહેલા પેશન્ટને રિલેક્સ કરવા દવા તરીકે અપાતા ઈન્જેક્શનની એ ચોરી કરીને નશાનાં રવાડે યુવાનોને ચડાવવા લાગ્યો. પ્રિન્સને પણ જયદીપે ડ્રગ્સના રવાડે ચડાવ્યો, ઈન્જેક્શન લેતાની સાથે જ પ્રિન્સના મોંઢામાંથી ફીણ આવવા લાગ્યું, આ જોતા જ જયદીપ ત્યાંથી ભાગી ગયો. પ્રિન્સના મિત્ર તરૂણે એના માતા પિતાને જાણ કરી, ઘોડાસર તળાવ પહોંચેલા માતા પિતાને હાથમાં દિકરાની લાશ મળી... માતા અંજુ શર્માએ જયદીપ સામે પોલીસમાં ફરીયાદ કરી, જયદીપને રાજસ્થાનથી પકડી લેવામાં આવ્યો છે.

અનેક રીતે નશો ઉપલબ્ધ, બાળકોની સાથે ખુલીને આ વિષય પર વાત કરો

ડ્રગ્સ કોઈ એક જ સ્વરૂપમાં નથી આવતું, કોઈ કલ્પના ના કરી શકે એવા સ્વરૂપમાં આ નશો ઉપલબ્ધ છે. આ રાક્ષસથી બચવાનો એક માત્ર ઉપાય જાગૃતિ છે. આવી કોઈ પણ ઘટના સાંભળ્યા પછી યુવાનો સાથે એની વાત કરી એમને જાગૃત કરવા, નશાનાં રવાડે ચઢતા અટકાવવા, જો ભુલથી પણ નશો એક વાર કરી લે છે તો પોલીસથી ડર્યા વગર એની જાણ કરવી અને રિહેબ સેન્ટરમાં મોકલવા એ જ ઉપાય છે. આ ચક્રવ્યુહમાં ફસાતી છોકરીઓ યૌનશોષણનો પણ શિકાર બને છે. જિંદગી મોત કરતા પણ બદતર થઈ જાય છે.. આ એવો નશો છે જે જાતિ, ધર્મ, વર્ગ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર દરેકને બરબાદ કરે છે. કોઈ પણ દેશને ખતમ કરી નાખવાનું આ સૌથી મોટુ હથિયાર છે. ખુબ શક્તિશાળી દેશો અને એમની વ્યવસ્થાઓ પણ ડ્રગ્સ સામે વામણી પુરવાર થઈ રહી છે એટલે આ ભયંકર દાવાનળમાં પોતાને અને પોતાના પરિવારને સેફ રાખવાથી જ આનાંથી બચી શકાય છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ, ડ્રગ્સના મોટા કાર્ટેલને રોકવામાં નિષ્ફળતાઓ આ બધા વિષયો પર પ્રશ્નો ચોક્કસ છે, કેમ કે દરેક વખતે ડ્રગ્સ સામે મોટી કાર્યવાહી થતી હોવા છતા જો એકનો એક રૂટ ડ્રગ્સ માટે વપરાય છે તો એનો મતલબ હજુ પણ ડ્રગ માફીયાઓ માટે ગુજરાતનો દરિયાકિનારો જ સેફ હેવન બની રહ્યો છે. પણ આ લડાઈ ખુબ મોટા પાયે લડાય એની રાહમાં ઘરના સંતાનોને તો આની સામે ખુલ્લા નહીં જ મુકાય.

આપણે કર્તવ્ય નિભાવીએ, ડ્રગ્સના રાક્ષસથી યુવાનોને બચાવીએ

બની શકે એટલી ચર્ચાઓ, સંવાદો અને એની ઘાતકતાની જાણકારી જ ડ્રગ્સ સામેની લડાઈમાં આપણને મદદ કરશે. બાકી આજના સમયમાં કોઈ પણ દેશને ખતમ કરવા માટે બાયો વેપન અને ડ્રગ્સ બે પુરતા છે... 18 વર્ષનો લાડકવાયો અજાણી લાશ બનીને સમાચારમાં આવે એ પહેલા ડ્રગ્સ સામેની લડાઈ જીતવી જરૂરી છે. જે પ્રિન્સના માતા-પિતા સાથે થયું એ કોઈની સાથે ના થાય એની કાળજી લઈએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે