વિસાવદરના MLA ગોપાલ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી જ જનતાના પ્રશ્નોને લઇને ખુબ જ સક્રિય દેખાઈ રહ્યા છે. મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર પછી હવે તેમણે વિસાવદરના ભેંસાણમાં જે મોટાપાયે અનાજ ચોરી થઇ રહી છે તેની સામે જંગે ચઢવાનું નક્કી કર્યું છે. કેમ કે , મોટા મોટા અનાજ માફિયાઓ સરકાર તરફથી આવતું અનાજ લઇ લે છે. તેના કારણે ગરીબોના ફાળે થોડુંક જ અનાજ પહોંચે છે . આમ હવે વિસાવદરના MLA ગોપાલ ઇટાલિયા ભેંસાણમાં મોટા મોટા અનાજ માફિયાઓની સામે પડ્યા છે .
ભારતમાં ગરીબોને રાહતદરે અનાજ એટલે આપવામાં આવે છે કેમ કે , તેનાથી ગરીબો પોતાનું પેટ ભરી શકે . આ માટે ભારતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના સાથે જ અંત્યોદય અન્ન યોજના જેવી યોજનાઓ અંતર્ગત ગરીબોને રાહતદરે અનાજ આપવાની યોજનાઓ ચાલે છે . પરંતુ જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં મોટાપાયે અનાજની ચોરી ચાલી રહી છે. જે અંતર્ગત મોટા મોટા અનાજ માફિયાઓ સરકાર તરફથી આવતું અનાજ લઇ લે છે ગરીબોને માત્ર થોડોક જ ભાગ મળે છે. આમ જાહેર વિતરણ વ્યવસ્થામાં ખુબ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ અનાજ માફિયાઓ અનાજ બારોબાર વેચી નાખે છે. તો હવે આ માટે MLA ગોપાલ ઇટાલિયાએ સરકારી અનાજમાં થઈ રહેલા કાળાબજાર મામલે વિસાવદર પોલીસ સ્ટેશને 1 ઓગસ્ટના રોજ રાતે ધામા નાંખ્યા હતા. ઈટાલીયાએ અનાજ માફિયાઓ સામે ગુનો નોંધવાની માગ કરી હતી. પરંતું અનાજની ચોરીનો મામલો હોવાથી પુરવઠા વિભાગમાં ફરિયાદ કરવા પોલીસે જણાવ્યું. જેના બાદથી માહોલ ગરમાયો છે. આ દરમિયાન મહિલા PSI અને ગોપાલ ઈટાલિયા વચ્ચે શાબ્દિક ચકમક પણ થઈ હતી.
ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયા પર આક્ષેપ કરતા કહ્યું કે, વિસાવદરમાં કરોડોના અનાજની ચોરી થઈ છે. સરકાર તરફથી જૂન અને જુલાઈ મહિનાનું ભેગું અનાજ આપવામાં આવ્યું હતું પરંતુ વિસાવદર અને ભેસાણના અનાજ માફિયાઓ દ્વારા ગરીબોના બંને મહિનાના સાથે અંગુઠા લઈને થોડુંક અનાજ આપીને બાકીનું અનાજ બારોબાર સગેવગે કરી નાખ્યું હતું. હું અત્યારે વિસાવદર પોલીસ સ્ટેશન છું. બપોરના અગિયાર વાગ્યાથી અનાજ માફિયાઓ વિરૂદ્ધ એફઆઈઆર કરાવવા માટે રખડીએ છીયે પરંતુ અત્યાર સુધી પોલીસે બહાના કાઢ્યા અને હવે ઈન્સ્પેક્ટર રોહિત તેમજ ઈન્સ્પેક્ટર સોનારા મેડમે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, અમને એફઆઈઆર કરવાની ઉપરથી સ્પષ્ટ મનાઈ છે. તમારે જે કરવું હોય તે કરો, અમે તમારી એફઆઈઆર નહીં લખીયે. તેમણે વધુમાં કહ્યું કે, નામજોગ ચાર જેટલા અનાજ માફિયાઓને બચાવવા માટે વિસાવદર તેમજ ભેંસાણ મામલતદાર કચેરી, વિસાવદર પોલીસ વિભાગ તેમજ પુરવઠા વિભાગ સહિતનું તમામ સરકારી તંત્ર માફિયાઓના તરફેણમાં કામે લાગ્યું છે. માફિયાના તરફેણમાં તમામ સરકારી તંત્ર છે, હું ગરીબોની તરફેણમાં કામ કરું છું. ગરીબોના પેટનો કોળીયો છીનવી લેનારા સામે અને તેને છાવરનારા સામે હું સંઘર્ષ કરી રહ્યો છું. અત્યારે હું અને અમારી ટીમ વિસાવદર પોલીસ સ્ટેશને બેસી ગયેલ છીયે અને જ્યાં સુધી નામજોગ એફઆઈઆર ન થાય ત્યાં સુધી સંઘર્ષ કરવામાં મને તમારી મદદની જરૂર છે. જોકે , પોલીસે કોઈ જ ફરિયાદ આ મામલે નોંધી નથી . આમ આ પછી ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશને જ બેસી ગયા હતા . આ પછી MLA ગોપાલ ઈટાલીયાએ મામલતદારને કડક શબ્દોમાં રજુઆત કરી છે જ્યાં , તેમની સાથે એક વડીલ પણ હાજર રહ્યા હતા . આમ ગોપાલ ઇટાલિયાએ મામલતદારનો ઉઘાડો લીધો હતો અને કહ્યું છે કે , "આટલા વર્ષો થયા પછી પણ તમે અનાજ માફિયાઓને નથી અટકાવ્યા. આ વડીલના આંસુઓ તો જુઓ." હવે સમાચાર આવી રહ્યા છે કે , વિસાવદરમાં પોલીસ દ્વારા ચોરેલા અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે .પરંતુ અહીં એક વસ્તુ ચોક્કસ છે કે , ગોપાલ ઇટાલિયા જનતાના પ્રશ્નોને લઇને આક્રમક છે .