દિલ્હી લીકર પોલિસી કેસની તપાસનો રેલો હવે છેક મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. આ મામલે હવે CBIએ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને નોટિસ ફટકારી 16 એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ મામલે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં આવેલા CBI હેડક્વાર્ટરમાં 16 એપ્રિલે સવારે 11 વાગ્યે પહોંચવાનું રહેશે.
AAP નેતા સંજય સિંહે કર્યું ટ્વીટ
AAPના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે CBIના સમન્સ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, 'અત્યાચારનો અંત ચોક્કસ આવશે. CBI દ્વારા અરવિંદ કેજરીવાલના સમનને લઈને હું સાંજે 6 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીશ. કેજરીવાલને CBIના સમનનો દાવો કરનાર AAPએ કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે. પાર્ટીએ કહ્યું કે કેજરીવાલને સમન અંગે કાનૂની સલાહ લેવામાં આવશે. બીજી તરફ ભાજપે કહ્યું કે આ મામલે કાયદો પોતાનું કામ કરી રહ્યો છે.
કેજરીવાલનો સમન કેમ?
CM કેજરીવાલ પર આરોપ લાગેલા છે કે શરાબ કૌભાંડમાં સામેલ આરોપીઓ સાથે તેમણે વાતચીત કરી હતી. આ સાથે જ કેજરીવાલ પર એવો પણ આરોપ છે કે તેમણે શરાબના વેપારીઓને દિલ્હીમાં આવીને વેપાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. CBIનું કહેવું છે કે કેજરીવાલને લઈને અનેક પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે. CBI હવે 16 એપ્રિલે કેજરીવાલની પૂછપરછ કરશે.
આ જ કેસમાં સિસોદિયા જેલમાં છે
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા આ કેસમાં EDની કસ્ટડીમાં છે. 26 ફેબ્રુઆરીએ CBIએ 8 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરાઈ હતી. 7 દિવસના CBI રિમાન્ડ પછી કોર્ટે 6 માર્ચે સિસોદિયાને 20 માર્ચ (14 દિવસ) સુધી ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દીધા હતા. અહીં EDએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ પાસેથી લીકર પોલિસીમાં મની લોન્ડરિંગ કેસમાં સિસોદિયાની પૂછપરછ કરી હતી, એજન્સીએ સિસોદિયાની જેલમાંથી જ ધરપકડ કરી હતી.






.jpg)








