‘ધૂમ’ફેમ સંજય ગઢવીનું નિધન, મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેકથી મોત, આજે સાંજે થશે અંતિમ સંસ્કાર


  • Published By :
  • Published Date : 2023-11-19 13:12:28

બોલિવુડના જાણીતા દિગ્દર્શક સંજય ગઢવીનું નિધન થયું છે. તેમણે આજે 19 નવેમ્બર, રવિવારે સવારે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે 57 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. મળતી જાણકારી મુજબ, જ્યારે તે સવારે લોખંડવાલા બેકરોડમાં મોર્નિંગ વોક કરી રહ્યા હતા ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તે પરસેવાથી તરબતર થઈ ગયા હતા. આ પછી, સંજય ગઢવીને તાકીદે નજીકની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ સંજય ગઢવીને મૃત જાહેર કર્યા હતા. સંજય ગઢવીના નિધનથી પરિવાર અને બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.


મૃતદેહ કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં રખાયો


સુપરહિટ ફિલ્મ 'ધૂમ'ના દિગ્દર્શક સંજય ગઢવીના નિધનથી હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. તેમની આ દુનિયામાંથી વિદાય બોલિવૂડ માટે મોટી ખોટ છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંજય ગઢવીને મોર્નિંગ વોક દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, તેઓ જ્યાં ફરવા ગયા હતા ત્યાંથી કોકિલાબેન અંબાણી હોસ્પિટલનું અંતર માત્ર એકથી દોઢ કિલોમીટર હતું. ડિરેક્ટર સંજય ગઢવીના પાર્થિવ દેહ હાલમાં કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં છે.


આજે સાંજે  થશે અંતિમ સંસ્કાર


કહેવામાં આવી રહ્યું છે કે તેમના અંતિમ સંસ્કાર આજે 19 નવેમ્બરની મોડી સાંજ સુધીમાં કરવામાં આવશે. તેમના નિધન બાદ અનેક જાણીતી હસ્તીઓ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહી છે. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘેરો આઘાત લાગ્યો છે. તેણે બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તે લોખંડવાલા અંધેરી વેસ્ટની ગ્રીન એકર સોસાયટીમાં રહેતા હતા. તાજેતરમાં જ સંજય ગઢવીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી.


આ ફિલ્મોનું કર્યું છે નિર્દેશન  


સમાચાર અનુસાર, શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. સંજય ગઢવીએ 'ધૂમ' અને 'ધૂમ 2'નું નિર્દેશન કર્યું હતું. તેમણે 'તેરે લિયે', 'કિડનેપ', 'મેરે યાર કી શાદી હૈ', 'ઓપરેશન પરિંદે' અને 'અજબ ગજબ લવ' જેવી શાનદાર ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.