પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થોડાક સમય અગાઉ ટ્રુથસોશ્યિલ નામની સાઈટ પર લખવામાં આવ્યું હતું કે , " ઈરાન આઝાદી માટે રાહ જોઈ રહ્યું છે. જે પહેલા ક્યારેય નથી થયું. US મદદ માટે તૈયાર છે. " તો હવે સંભવિત અમેરિકન લશ્કરી કાર્યવાહીના કારણે , ઈરાનની રાજધાની તહેરાનમાં હાલ હાઇએલર્ટ છે.

બીજી તરફ, ઈરાનમાં પ્રદર્શનકારીઓ દ્વાર દેખાવ ચાલુ જ છે. ટાઈમ્સ મેગેઝીન અનુસાર , અત્યારસુધીમાં ૨૧૭ પ્રદર્શનકારીઓએ જીવ ગુમાવ્યા છે. સાથેજ ન્યુઝ એજન્સી AP અનુસાર , ઈરાનમાં ૨૬૦૦થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે , ઈરાનમાં જે વિરોધ થઇ રહ્યા છે તેને US , ઇઝરાયેલ અને યુરોપીઅન દેશોનું સમર્થન પ્રાપ્ત છે. પરંતુ , ઇસ્લામિક શાસનનો ઝંડો ઉઠાવીને ફરનારા પાકિસ્તાન અને તુર્કી અમેરિકાના આદેશના કારણે ઈરાનને લઇને ચૂપ છે. બીજી તરફ, ઇઝરાયેલ દ્વારા હેઝબોલાહ પર કાર્યવાહીને સ્થગિત રાખવામાં આવી છે. ઈરાન પર આક્રમણની જરૂર પડે તો તે સમય માટેની તૈયારીઓ કરવામાં ઇઝરાયેલ લાગી ગયું છે. ઈરાનમાં સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સાતમી જાન્યુઆરીથી ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેહરાન, તબરેઝ, મશહદ સહિતના 100 શહેરોમાં ઉગ્ર હિંસા થઈ રહી છે. બીજી તરફ સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈએ આ આંદોલન પાછળ વિદેશી શક્તિઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ઈરાનની સરકારે ચેતવણી આપી છે કે આંદોલનમાં સામેલ લોકો 'ઈશ્વરના દુશ્મન' છે અને તેમને મોતની સજા પણ આપવામાં આવી શકે છે.

ઈરાનના પૂર્વ રાજકુમાર રઝા પહેલવીએ અપીલ કરી છે કે લોકોએ હવે શહેરના મુખ્ય સ્થળો પર કબજો કરી લેવો જોઈએ.ઠેર ઠેર ફેલાયેલી હિંસાના કારણે ઈરાનમાં શાળા અને કોલેજો પણ બંધ છે, શિક્ષણ ઓનલાઈન જ આપવામાં આવી રહ્યું છે. ઈરાનની સરકારી ટીવી ચેનલમાં આંદોલન કરી રહેલા લોકોને આતંકવાદી કહીને સંબોધિત કરવામાં આવી રહ્યા છે. સરકારી ટીવી ચેનલમાં કહેવામાં આવ્યું હતું કે હથિયાર સાથે આતંકવાદીઓએ અનેક જગ્યા પર હુમલા કર્યા અને આગચંપી કરી. ઈરાનની અર્થવ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિના કારણે આ આંદોલન શરૂ થયા હતા. એક ડોલરની સામે ઈરાની રિયાલની કિંમત 14 લાખ સુધી પહોંચી ગઈ છે. આંદોલન કરી રહેલા લોકો 'ઈસ્લામિક રિપબ્લિક મુરદાબાદ', 'મુલ્લાઓએ જવું પડશે' જેવા નારા લગાવી રહ્યા છે.






.jpg)








