આપણે જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે કોઈ વખત ખેડૂતનો આભાર માન્યો છે ખરો? ખેડૂત ખેતરમાં ખેતી કરે છે માટે જ આપણી થાળીમાં જમવાનું છે... અનેક લોકો એવા હોય છે જે જમવાનું અધૂરૂં મૂકે છે.. અન્નનો બગાડ કરે છે.. આપણે ક્યારેય ખેડૂતોની સ્થિતિ વિશે વિચાર્યું છે ખરૂં કે કેવી પરિસ્થિતિમાં તેઓ રહેતા હશે.. આજે વાત ખેડૂતોની એટલા માટે કરવી છે કારણ કે પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.. ઉભો થયેલો પાક નિષ્ફળ જાય ત્યારે શું હાલત થાય તેની વ્યથા ખેડૂતને પૂછવી.. હાલ પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે..
વરસાદ વરસતા ખેડૂતોની સ્થિતિ બની કફોડી!
રાજ્યના મોટાભાગના વિસ્તારમાંથી આમ તો ચોમાસાએ વિદાય લઈ લીધી છે. તેમ છતા કેટલાક વિસ્તારોમાં આસો મહિનામાં પણ અષાઢી માહોલ જામ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા છે. જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેતરોમાં મગફળીના તૈયાર થયેલા પાક પર જ આફતરૂપી વરસાદ વરસતા સેંકડો ખેડૂતોની દિવાળી બગડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરી છે.. ભારે વરસાદ આવવાને કારણે પાકો પાણીમાં તણાઈ રહ્યા છે...
મગફળીના પાકને થયું મોટું નુકસાન
વરસાદની રાહ સૌથી વધારે ખેડૂતો જોતા હોય છે.. સારો વરસાદ થાય તેવી આશા રહેલી હોય છે.. જો વરસાદ વધારે થાય તો પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે છે અને ઓછો થાય તો પણ જગતના તાતને રડવાનો વારો આવે છે.. હાલ પડી રહેલા વરસાદને કારણે તેમના પાક નિષ્ફળ જઈ રહ્યા છે.. મગફળી તેમજ કપાસના પાકને મોટા પાયે નુકસાન થયું છે.. અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં ખેડૂતોનો આક્રંદ ચરમસીમા પર પહોંચ્યો છે.. ખેડૂતો સરકાર પાસેથી આશા રાખીને બેઠા છે કે સરકાર જલ્દી સર્વે કરાવે અને નુકસાનીની સહાય આપે.. ત્યારે જોવું રહ્યું સરકાર ક્યારે સર્વે કરાવે છે અને ક્યારે ખેડૂતોને સહાયના રૂપિયા મળે છે..