અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી ૨જી નવેમ્બર સુધી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો તેમાં , અમરેલી જિલ્લામાં ખુબ મોટાપાયે નુકશાન થયું છે. તો હવે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ને ખેતી બચાવો સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી છે. તે અંતર્ગત આજે , અમરેલીના લીલીયા ખાતે , ખેડૂતોની દેવામાંફીને લઇને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત , લીલીયા ખાતે પરેશ ધાનાણી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતના નેતૃત્વમાં એક સંમેલન પણ યોજાયું હતું. જેમાં , પરેશ ધાનાણીએ સરકાર સમક્ષ માંગણી કરતા કહ્યું છે કે , " વીઘે ૮ હજારની ભીખ ખેડૂતોને નથી જોઇતી. પરંતુ , સંપૂર્ણ પાક નુકશાનીની સામે દેવા માફી જોઈએ છીએ. આ ઉપરાંત નકલી બિયારણ અને ખાતર પર પણ સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે. " તો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ વડા પ્રતાપ દુધાત દ્વારા મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતી વખતે કહેવામાં આવ્યું છે કે , " લીલીયા મામલતદાર કચેરીએ ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે. સરકાર કોઈ બીજા ગતકડાં ના કરે માત્ર દેવા માફીની વાત કરે. ખેડૂત , ખેત મજદૂર અને ગરીબ માટે અમે ૧૫ મુદ્દાઓને લઇને માંગણી કરી છે જેમાં દેવામાફી અમારો પ્રમુખ મુદ્દો છે."
વાત કરીએ , ગુજરાત સરકારની તો તેના દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે , કમોસમી વરસાદના કારણે , ૪૨ લાખ હેકટર ખેતીને નુકશાન થયું છે. જેમાં ૧૬ હાજર ગામોને અસર થઇ છે. આ લાખો હેક્ટર જમીનમાં મગફળી , સોયાબીન સહીત અન્ય પાકો ધોવાયા છે. તો આ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા થોડાક સમય અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે , સરકાર ૯ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી , મગ , અડદ અને સોયાબીનની ખરીદી કરશે. ગુજરાતના ૩૦૦ ખરીદ કેન્દ્ર પરથી ખેડૂત દીઠ ૧૨૫ મણ મગફળી સહીતના પાકોની રાજ્ય સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે.






.jpg)








