રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજાના અમિત ખૂંટ કેસમાં બે દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. હવે આ કેસમાં ગોંડલ તાલુકા પોલીસ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ કરશે. જૂનાગઢ જેલમાંથી કબ્જો લીધા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરાયા હતા. આમ હવે આજથી અનિરુદ્ધસિંહ જાડેજાની બે દિવસની પૂછપરછ શરુ થઇ રહી છે.
રાજકોટના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું છે. થોડાક સમય પહેલા , સુપ્રીમ કોર્ટે ધરપકડ માટેની જે રાહત અનિરુદ્ધસિંહ જાડેજાને આપી હતી તે હટાવી લીધી હતી. આ પછી અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડર બાદ ગોંડલની તાલુકા પોલીસે તેમનો કબ્જો મેળવયો હતો અને જૂનાગઢ જેલથી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેમને લાવવામાં આવ્યા હતા. હવે અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના બે દિવસના રિમાન્ડ ગોંડલની કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. ગોંડલના તત્કાલીન MLA પોપટ સોરઠીયા હત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની જેલમુક્તિને પડકારતી અરજી પ્રપૌત્ર હરેશ સોરઠીયાએ હાઇકોર્ટમાં કરતા નામદારે ૧૮ સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવા આદેશ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે આ પિટિશન ફગાવી દીધી હતી.
વાત કરીએ રાજકોટના ખુબ ચર્ચિત અમિત ખૂંટ કેસની તો રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ 3 મેના રોજ રીબડાનાં અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં જીવન ટૂંકાવ્યું હતું . ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે 'મને મારવા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.' મૃતક અમિત ખૂંટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો ગરમાયો હતો અને આ મામલે રીબડાનાં ક્ષત્રિય આગેવાન અનિરૂદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હવે અમિત ખૂંટ કેસમાં , અનિરુદ્ધ જાડેજાના બે દિવસના રિમાન્ડ ગોંડલની કોર્ટે મંજુર કર્યા છે. જેમાં આ કેસને લઇને અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ થવાની છે. વાત EX MLA પોપટ સોરઠીયા કેસની તો , ગુજરાત સરકારે અનિરુદ્ધસિંહ જાડેજાને આ કેસમાં ૨૦૧૮માં સજામાફી આપી હતી , તેની પર કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠીયા દ્વારા , હાઇકોર્ટમાં આ સજમાંફીને પડકારવામાં આવી હતી . પિટિશન કરનાર હરેશ સોરઠીયાનું કેહવું છે કે , તા ૨૯-૧-૨૦૧૮ના રોજ તત્કાલીન જેલોના એડીજીપી ટી.એસ. બિષ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો હતો તેના આધારે સજા માફી અપાઈ છે . કારણ એવું અપાયું છે કે , જાડેજાએ ૧૮ વર્ષનો જેલવાસ ભોગવ્યો છે પરંતુ , સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ આજીવન કેદની સજા એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. સમગ્ર મામલામાં રાજ્ય સરકાર દ્વારા ખોટી રીતે નિર્ણય લેવાયો છે. તો ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હસમુખ ડી સુથારે આ બાબતે , સરકારના સત્તાધીશો અને જેલના સત્તાધીશોનો ઉઘડો લીધો હતો. પછી ગુજરાત હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને મળેલી આ સજામાફી રદ કરી છે. અને ૪ જ અઠવાડિયામાં સરન્ડરનો આદેશ કર્યો હતો.