ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય શાખા સમાજ કલ્યાણ અને જન સમુદાયના ઉત્થાન માટે ઘણા બધા આરોગ્યલક્ષી માનવતાવાદી કાર્યક્રમો ચાલી રહ્યા છે.ગુજરાત રાજ્ય શાખા દ્વારા આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટે મોબાઈલ મેડિકલ યુનિટના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિજાતી અને અંતરીયાળ વિસ્તારના ચાર જિલ્લાઓમાં ડાંગ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં REC Foundation Delhiના સહયોગથી મોબાઈલ મેડિકલ વાન કે જેમાં ડોક્ટર, નર્સ , ફાર્માસીસ્ટ તથા ડ્રાઈવરની સહિતની ટીમ તૈનાત હશે. આ ટીમ દરેક ફળિયા તથા મહોલ્લામાં મોબાઈલ મેડિકલ વાન લઈને બિમાર અને જરુરિયાતમંદ લોકોનું મેડિકલ ચેકઅપ કરી વિનામુલ્યે દવા તથા સારવાર આપવામાં આપશે.
એક મોબાઈલ મેડિકલ વાન મારફતે રોજના 100 કરતા વધારે દર્દીઓને આવરી લેવાનું આયોજન છે. જેના દ્વારા એકમાસમાં 10 હજારથી વધારે જરુરિયાતમંદ લોકોને આરોગ્ય સેવાઓ તેમના દ્વારે જ ઉપલબ્ધ થઈ રહે તેવી વ્યવસ્થા ગુજરાત રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવી છે. અને આ ઉમદા સેવાકાર્યમાં REC Foundation Delhiનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. લોકસેવા માટે તૈયાર કરાયેલા આ મેડિકલ યુનિટનું નિયંત્રણ GPRS દ્વારા કરવામાં આવનાર છે. આ વાન મારફતે બિમાર અને જરુરિયાતમંદ દર્દીઓની સારાવરની કામગીરી તો થશે જ ઉપરાંત આરોગ્યની સંભાળ માટે જરુરી માર્ગદર્શન તથા વિવિધ જીવલેણ બિમારીઓ જેવી કે સર્વાઈકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, થેલેસેમીયા-સિકલસેલ અટકાવવાની કામગીરી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.