ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ વનડે શ્રેણીની અંતિમ વનડે મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ છેલ્લી મેચમાં ભારતીય બોલરોએ તરખાટ મચાવ્યો અને સાઉથ આફ્રિકાને 99 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો ભારતનો નિર્ણય એકદમ સાચો સાબિત થયો હતો. કુલદીપ યાદવ, શાહબાઝ અહેમદ અને વી. સુંદરની સ્પિન ત્રિપુટીએ પ્રોટિયાસ બેટ્સમેનને ઘૂંટણિયે બેસાડી દીધા. ઉલ્લેખનીય છે કે, આ વનડેના ઇતિહાસમાં આફ્રિકાનો આ સૌથી ઓછો સ્કોર છે.
ભારતને મળ્યો 100 રનનો ટાર્ગેટ
બોલરની ઘાતક બોલિંગને કારણે આફ્રિકા ફક્ત 99 રન કરી શક્યું હતું અને ભારતને જીત માટે 100 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આફ્રિકાના હેનરિક ક્લાસેને સૌથી વધારે 34 રન બનાવ્યાં તો માર્કો જોનસને 14 અને જાનેમન મલાને 15 રન કર્યાં હતા.
કુલદીપે સૌથી વધુ 4 વિકેટ લીધી
ભારત તરફથી ચાઈનામેન કુલદીપ યાદવે સર્વાધિક વિકેટ લેતા 4.1 ઓવરના સ્પેલમાં 1 મેડન સહિત 18 રન આપતા 4 શિકાર કર્યા હતા. તે આ દરમિયાન હેટ્રિક લેતા પણ ચુક્યો હતો. તે સિવાય શાહબાઝ અહેમદ, વી. સુંદર અને મોહમ્મદ સિરાજે 2-2 વિકેટ લીધી. ભારતીય સ્પિન એટકે સાઉથ આફ્રિકાની 80% વિકેટ ઝડપી.
માત્ર 3 બેટ્સમેન ડબલ ડિજિટમાં સ્કોર કરી શક્યા
સાઉથ આફ્રિકા વતી માત્ર ત્રણ બેટ્સમેન ડબલ ડિજિટમાં સ્કોર કરી શક્યા હતા. હેનરિક ક્લાસેને સર્વાધિક 34 રન કર્યા જ્યારે જે. મ્લાન અને માર્કો જેન્સને અનુક્રમે 15 અને 14 રન બનાવ્યા. અન્ય કોઈ બેટર ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો નહોતો.
પહેલી વનડેમાં આફ્રિકાની, બીજી વનડેમાં ભારતની જીત
ઉલ્લેખનીય છે કે પહેલી વનડેમાં આફ્રિકાની તો બીજી વનડેમાં ભારતની જીત થયેલી છે અને હવે આફ્રિકા ટીમ સસ્તામાં આઉટ થઈ જતા ભારત માટે સિરિઝ જીતવાની પ્રબળ સંભાવના ઊભી થઈ છે. 100 રન પૂરા કરી લેતા જ ભારત સિરિઝ જીતી જશે.
 
                            
                            






.jpg)









 
 
                                     
 
                                     
 
                                    