મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમમાં સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે સચિનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સચિનની આ પ્રતિમા કાંસ્ય (બ્રૉન્ઝ) ધાતુથી બનાવવામાં આવી છે. સ્ટૅચ્યુ કુલ 14 ફૂટ ઊંચું છે. આ પ્રતિમા તેમના જીવનના 50 વર્ષને સમર્પિત છે. ઉલ્લેખનિય છે કે સચિને આ વર્ષે એપ્રિલમાં પોતાનો 50મો જન્મદિવસ મનાવ્યો હતો.
સચિન માટે ખાસ રહ્યું છે વાનખેડે સ્ટેડિયમ
સચિને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ એટલે કે તેની 200મી ટેસ્ટ મેચ આ મેદાન પર રમી હતી. આ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે હતી, જેમાં સચિને 74 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ એક ઇનિંગ અને 126 રને જીતી લીધી હતી. આ સ્ટેડિયમ સચિન માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીં ભારતીય ટીમે તેનો બીજો વર્લ્ડ કપ ટાઈટલ જીત્યો હતો. 2011 ODI વર્લ્ડ કપની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. તે મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ સાથે જ સચિન તેંડુલકરનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પણ પૂરું થયું હતું.
આ સિદ્ધિ મેળવનાર સચિન બીજો ભારતીય ક્રિકેટર
સચિન બીજો ભારતીય ક્રિકેટર છે જેની પ્રતિમા સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવી છે. સચિન પહેલા દિગ્ગજ ક્રિકેટર અને પૂર્વ ભારતીય કેપ્ટન કર્નલ સીકે નાયડુની પ્રતિમા દેશના ત્રણ અલગ- અલગ સ્ટેડિયમમાં સ્થાપિત કરવામાં આવી છે. જેમ કે ઇન્દોરમાં હોલ્કર સ્ટેડિયમ, નાગપુરમાં વિદર્ભ ક્રિકેટ એસોસિએશન (VCA) સ્ટેડિયમ અને આંધ્ર પ્રદેશમાં YSR સ્ટેડિયમમાં સીકે નાયડુની પ્રતિમા સ્થાપિત કરાઈ છે.
 
                            
                            






.jpg)









 
 
                                     
 
                                     
 
                                    