ધર્મ પરિવર્તન એક ગંભીર મુદ્દો, તેને રાજકીય રંગ ન આપવો જોઈએ: સુપ્રીમ કોર્ટ


  • Published By :
  • Published Date : 2023-01-09 20:41:46


સુપ્રીમ કોર્ટનું માનવું છે કે ધર્મ પરિવર્તન એક ગંભીર મુદ્દો છે અને તેને રાજકીય રંગ આપવો જોઈએ નહીં. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં લાલચથી કે બળજબરીથી થતાં ધર્માંતરણ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ મામલે એટર્ની જનરલ આર વેંકટરમાની પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં એવી માંગણી કરવામાં આવી છે કે ધાકધમકી, લાલચ કે વિવિધ લાભો આપીને ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મુકવો જોઈએ.


એટર્ની જનરલ પાસે માંગ્યો જવાબ


જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની બેન્ચે એટર્ની જનરલ આર વેંકટરમાનીને કહ્યું કે અમે એ જાણવા માગીએ છીએ કે ધર્માંતરણ બળજબરીથી થઈ રહ્યું છે કે લોભથી અને જો આવું થઈ રહ્યું હોય તો અમારે શું કરવું જોઈએ? અને તેને સુધારવા માટે શું કરવું જોઈએ, કેન્દ્ર આ મામલે મદદ કરે.


તમિલનાડુ સરકારે કર્યો બચાવ 


તમિલનાડુ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પી. વિલ્સને અરજીને રાજકારણથી પ્રેરિત ગણાવી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તમિલનાડુમાં આવા ધર્માંતરણનો કોઈ પ્રશ્ન જ નથી. તેના પર સુપ્રીમ કોર્ટની બેન્ચે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે "કોર્ટની સુનાવણીને અન્ય બાબતો તરફ વાળવાનો પ્રયાસ કરશો નહીં. અમને આખા દેશની ચિંતા છે કે જો તમારા રાજ્યમાં આવું થઈ રહ્યું છે તો તે ખરાબ છે અને જો તેવું નથી થઈ રહ્યું તો તે સારી બાબત છે. તેને કોઈ રાજ્યને નિશાન બનાવવાના ઈરાદા તરીકે ન જુઓ, તેને રાજકીય મુદ્દો ન બનાવો."


એડવોકેટ અશ્વિની કુમારે કરી છે અરજી


અત્રે ઉલ્લેખનિય છે કે એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને છેતરપિંડી કે બળજબરીથી થતા ધર્મ પરિવર્તન સામે કડક પગલા ભરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ ગંભીર મુદ્દા પર કડક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો, એમ કહીને કે બળજબરીથી ધર્મ પરિવર્તન દેશની સુરક્ષા માટે ખતરો છે. ગુજરાત સરકારે લગ્ન માટે ધર્મ પરિવર્તન પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી ફરજિયાત બનાવતો કાયદો ઘડ્યો હતો. જો કે ગુજરાત હાઈકોર્ટે આ કાયદા પર સ્ટે આપ્યો હતો. ગુજરાત સરકારે સ્ટે હટાવવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ગુજરાત સરકારે કહ્યું હતું કે ધર્મની સ્વતંત્રતામાં ધર્મ પરિવર્તનનો અધિકાર સામેલ નથી.


આગામી સુનાવણી 7મી ફેબ્રુઆરીએ થશે


એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાયની અરજીમાં કહેવામાં આવ્યું છે કે બળજબરીથી ધર્મ પરિવર્તન સમગ્ર દેશની સમસ્યા છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. પિટિશનમાં જસ્ટિસ કમિશનને એક રિપોર્ટ અને બિલ તૈયાર કરવાની પણ માંગ કરવામાં આવી છે, જેમાં ધર્મ પરિવર્તનની ઘટનાઓને ધાકધમકી આપીને અથવા લાલચ આપીને નિયંત્રિત કરી શકાય. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે 7મી ફેબ્રુઆરીએ સુનાવણી કરશે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.