અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .
વૈશ્વિકીકરણના આ જમાનામાં કોઈ પણ બે દેશો વચ્ચે વ્યાપાર એ દ્વિપક્ષીય સંબંધોમાં મુખ્ય કરોડરજ્જુ સમાન છે. વાત કરીએ , અમેરિકાની તો , એપ્રિલની બીજી તારીખના રોજ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ જે "ટેરિફ વિસ્ફોટ" કર્યો તેનાથી , સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં ખુબ મોટી ઉથલપાથલ મચી ગઈ હતી . પરંતુ તેના થોડાક દિવસો પછી ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના રેસિપ્રોકલ ટેરિફને ૯૦ દિવસ માટે મુલતવી રાખવાની જાહેરાત કરે છે. મોટા ભાગના દેશોને જુલાઈની ૯ મી તારીખ સુધીનો સમય અમેરિકા સાથે દ્વિપક્ષીય વ્યાપારી કરાર કરવા માટેનો આપે છે . તો ભારતનું વ્યાપારી પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યું છે. બેઉ દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે વાટાઘાટો ચાલુ છે . તો હવે ફરીએકવાર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત સાથે ટ્રેડ ડીલને લઇને એર ફોર્સ વનના વિમાનમાં પત્રકારોને એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે , " મને લાગે છે કે ભારત સાથે અમારે ડીલ થવા જઈ રહી છે. આ એક અલગ પ્રકારની ડીલ હશે . આ ડીલ એવા પ્રકારની હશે જેમાં અમે ભારતના માર્કેટમાં પ્રવેશ કરીશું અને કોમ્પીટ કરીશું. જોકે હાલમાં ભારતને સ્વીકાર્ય હોય તેવું લાગી રહ્યું નથી . પરંતુ તે જલ્દીથી સ્વીકારી લેશે ."
રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં જે ભારતનું પ્રતિનિધિમંડળ છે તેણે અમેરિકામાં પોતાનું રોકાણ વધાર્યું છે. કેમ કે , ભારત અને અમેરિકા બેઉ દેશોનો પ્રયાસ છે કે , ૯મી જુલાઈની ડેડલાઈન પેહલા આ વ્યાપારી કરારો સંપન્ન થાય . જો ભારત અને અમેરિકા વચ્ચે કોઈ પણ ડીલ નક્કી નથી થતી તો , હાલમાં ભારતની અમેરિકામાં થતી નિકાસો પર લાગે છે , ૧૦ ટકા ટેરિફ અને આ પછી ટેરિફ સીધો વધીને થઈ જશે , ૨૭ ટકા . તો હવે આ તરફ વિદેશમંત્રી એસ. જયશંકર પણ ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા અમેરિકા પહોંચ્યા હતા જ્યાં તેમણે ખાનગી સમાચાર સંસ્થા ન્યુઝવિકને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે , " બેઉ દેશો મધ્યમાં છે . મધ્ય કરતા વધારે નજીક છે . ટ્રેડ ડીલને લઇને. મને આશા છે કે , બેઉ દેશો વચ્ચે સફળતાપૂર્વક આ સંવાદ પૂર્ણ થશે." ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં કાંટો કૃષિ ક્ષેત્રને લઇને ફસાયેલો છે. અમેરિકાને આશા છે કે , ભારત તેનું કૃષી ક્ષેત્ર અમેરિકન કંપનીઓ માટે ખોલશે. અમેરિકા ચાહે છે કે , ભારતમાં તેની કંપનીઓના જિનેટિકલી મોડીફાઇડ GM પ્રોડક્ટ્સ ઉપલબ્ધ બને સાથેજ ઓટોમોબાઇલ અને વ્હિસ્કીના સેક્ટરમાં પણ અમેરિકન કંપનીઓને એક્સેસ પ્રાપ્ત થાય .