ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.
ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી ૨જી નવેમ્બર સુધી વરસાદનો જે રાઉન્ડ આવ્યો તેમાં , જગતના તાત પર આભ ફાટી પડ્યું છે. તો હવે ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રેવદ ગામમાં ૪૯ વર્ષીય ખેડૂત ગફાર મુસા ઉનડે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. તેમણે આ અવિચારી પગલું , ૩ નવેમ્બરે , સાંજે ૬ વાગ્યાની આસપાસ ભર્યું છે. પોલીસે મૃતકના સગાનું નિવેદન નોંધ્યું હતું. નિવેદન અનુસાર ગફારભાઈએ ૨ લાખની લોન લઈને મોંઘા બિયારણની ખરીદી કરી હતી અને વાવેતર કર્યું હતું, પરંતુ તાજેતરના કમોસમી વરસાદને કારણે તેમની જમીનમાં મગફળીના પાથરા પલળી જતાં પાકમાં ભારે નુકસાન થયું હતું. પાક નિષ્ફળ જવાથી તેઓ અત્યંત ચિંતિત હતા ઉપરાંત છેલ્લા દરેક દિવસથી તણાવ અને ડિપ્રેશનમાં હતા. મૃતક ખેડૂત ગફારભાઈએ સેવા સહકારી મંડળીમાંથી ટૂંકી મુદ્દતનું ૨ લાખનું પાક ધિરાણ લીધું હતું, જેનો બોજ તેમને સતાવી રહ્યો હતો. આ ઉપરાંત , બે દીકરીની સગાઇ કરી હોવાથી તેમના લગ્નની ચિંતા પણ તેમને સતાવી રહી હતી.
કમોસમી વરસાદથી પાક નિષ્ફળ જતાં આર્થિક બોજના કારણે તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા અને આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.મૃતક ખેડૂત ગફાર ઉનડે આપઘાત માટે ખતરનાક રીતનો ઉપયોગ કર્યો હતો. તેમણે કૂવામાં તરીને બહાર ન નીકળી શકાય એટલા માટે પોતાના શરીરે વીજપોલનો 3 ફૂટનો ટુકડો બાંધી દીધો હતો. ઘરે ન આવતા દીકરીએ કાકાને કોલ કર્યો હતો. ખેડૂતની શોધખોળ કરાઈ હતી. જ્યારે ખેતર પહોંચ્યા ત્યારે તેમનો શર્ટ, મોબાઈલ અને બૂટ કૂવાની ઓરડી પાસે મળ્યાં હતાં. શંકાના આધારે કૂવામાં મોટરથી પાણી ઉલેચવામાં આવ્યું હતું. ત્યારે મૃત હાલતમાં ખેડૂત ગફાર ઉનડ મળી આવ્યા હતા.