આપઘાત કરવાના કિસ્સાઓમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક વખત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દેતા હોય છે. અનેક લોકોને એવું લાગતું હોય છે કે વિદ્યાર્થીઓનું જીવન એટલે સરળ જીવન. પરંતુ એ વાત સત્ય નથી. આજની કોમ્પિટીશન વાળી દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે. તે સિવાય ભણવાનું ટેન્શન અને જીવનમાં સફળ થવાનું ટેન્શન તો અલગ. પોતાનું સંતાન જીવનમાં ખૂબ સફળ થાય તેવી આશા દરેક માતા પિતા રાખતા હોય છે. પોતાનું બાળક ઉત્તમ વ્યક્તિ બને તેવી ઝંખના દરેક માતા પિતાને હોય છે. પરંતુ માતા પિતા દ્વારા રાખવામાં આવતી આવી ઈચ્છા છોકરાના મનમાં ડર પેદા કરી દેતો હોય છે. માતા પિતાની નજરોમાં તેમજ તેમની ઈચ્છામાં ખરો ઉતરશે કે નહીં તે વાતનો ડર સતાવતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે.
![]()
પરિવારની નજરોમાં નિષ્ફળ ગણતો હતો વિદ્યાર્થી!
બાળકો પાસે રાખવામાં આવેલી ઈચ્છા બાળકોના મન પર કેવી અસર કરી શકે છે તેનું ઉદાહરણ અમદાવાદથી સામે આવ્યું છે. સેપ્ટ યુનિવર્સિટીમાં ભણતા છોકરાએ બુધવાર સવારે આત્મહત્યા કરી લીધી હતી. મરતા પહેલા 23 વર્ષીય શિવ મિસ્ત્રીએ એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી. પોતાના માતા-પિતાને સંબોધીને લખવામાં આવેલી ચિઠ્ઠીમાં શિવે લખ્યું હતું કે હું હંમેશા માનતો હતો કે જિંદગી રુપિયા અને ભૌતિક વસ્તુઓથી નથી બનતી પરંતુ તમે શું કરો છો તેનાથી બને છે. મારે જિંદગીમાં જે કરવું હતું તે ના કરી શક્યો અને જે નહોતું કરવું તે કરવું પડ્યું તેના કારણે ખૂબ પીડા વેઠી છે. શિવ પોતાને પોતાના પરિવારની નજરોમાં નિષ્ફળ માનતો હતો.
સ્યુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ ઠાલવી વેદના!
આત્મહત્યાનું કારણ જણાવતા શિવે કહ્યું કે તમારી આંખોમાં મને દેખાતું હતું કે હું નિષ્ફળ છું. કેટલાય વર્ષો સુધી તમારા (એટલે કે પિતાના ફર્નિચર વર્કશોપ) વર્કશોપમાં કામ કર્યું. જે હું નહોતો કરવા માગતો પણ અભ્યાસ માટે કરવું પડયું તેના લીધે ગુસ્સો અને હતાશા મનમાં ભેગી થઈ હતી. જે કોર્સમાં તે અભ્યાસ કરતો હતો તેમાં તેને રસ ન હતો. તેને એવું પણ લાગતું હતું કે તેનો પરિવાર તેને પ્રેમ નથી કરતો અને અવગણના કરે છે.

પોલીસે હાથ ધરી તપાસ!
ગુજરાત યુનિવર્સિટી પોલીસે જણાવ્યું હતું કે 23 વર્ષીય શિવ મિસ્ત્રી આર્કિટેક્ટના ફાઈનલ સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. વડોદરાનો મૂળ વતની અમદાવાદમાં આવી અભ્યાસ કરતો હતો જેને કારણે તે સ્ટ્રેસમાં રહેતો હતો. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અપેક્ષાઓ બોજ બનતી હોય છે!
ત્યારે આ કિસ્સો માતા પિતાને ચેતવણીરૂપ સમાન છે. મળતી માહિતી અનુસાર છઠ્ઠા માળેથી કૂદીને વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. ત્યારે માતા પિતા દ્વારા રાખવામાં આવતી અપેક્ષાઓ છોકરાઓ માટે બોજસમાન બનતો હોય છે તેનું આ એક ઉદાહરણ છે.






.jpg)








