હાઈવોલ્ટેજ ડ્રામાનો આવ્યો અંત AAPના સુરત પૂર્વના ઉમેદવાર કંચન જરીવાલાએ ઉમેદવારી પરત ખેંચી


  • Published By :
  • Published Date : 2022-11-16 14:23:34

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને હવે થોડા દિવસ રહ્યા છે. જો કે આ પહેલા રાજકારણના વિવિધ રંગ જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ વિધાનસભા સીટના ઉમેદવાર કંચન જરીવાલા પરિવાર સહિત ગુમ થવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી હતી. AAPએ પણ ભારતીય જનતા પાર્ટી પર તેમના ઉમેદવાર કંચન જરીવાલાના અપહરણનો આરોપ લગાવ્યો હતો. જો કે આજે જરીવાલા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચવા પોલીસ સુરક્ષા વચ્ચે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. આ સાથે AAPના હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે.


કંચન જરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી 


પોતાના પરિવાર સાથે  ગઈકાલ સવારથી ઘરેથી ગુમ થયેલા AAPના સુરત ઈસ્ટના ઉમેદવાર કંચન જરીવાલા આજે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર થયા અને પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું છે. હવે આવી સ્થિતિમાં હવે ચૂંટણી પહેલા જરીવાલાની ઉમેદવારી પાછી ખેંચવાની ચર્ચાએ રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. કંચન ઝરીવાલા ફોર્મ પાછું ખેંચીને રડતા-રડતા નોડલ ઓફિસરની કચેરીથી બહાર નીકળ્યા હતા.


સંજયસિંહ અને ઈટાલિયાના ભાજપ પર આરોપ


કંચન ઝરીવાલએ તેમનુ ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું તે અંગે આપના નેતા સંજયસિંહે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે  ‘તેમના ઉમેદવાર કંચન ઝરીવાલને ગઈકાલે કેટલાક ભાજપના લોકો જબરજસ્તી ઉઠાવી ફોર્મ પાછું ખેંચાવવા ચૂંટણી અધિકારી સમક્ષ લઈ ગયા હતા. જોકે તેમણે ના પાડતા પોતાની સાથે ઉપાડીને લઈ ગયા હતા અને આજે તેમની પાસેથી ફોર્મ પરત ખેંચાવ્યું છે. તેમણે કેટલાક વીડિયો પણ બતાવ્યા જેમાં AAPના ઉમેદવાર સાથે કેટલાક શખ્સો છે. જેમાં દેખાતી એક વ્યક્તિ ભાજપ સાથે સંબંધ ધરાવતા રવિ સાથે હોવાનું બતાવે છે. આ રવિ નામની વ્યક્તિની તસવીર CM ભૂપેન્દ્ર પટેલ અને પૂર્ણેશ મોદી સાથેની તસવીર બતાવે છે.’સંજય સિંહે વધુમાં જણાવ્યું કે, હું આ મામલે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને અનુરોધ કરીશ કે તેઓ આ મામલે હસ્તક્ષેપ કરે અને કંચન ઝરીવાલને ચૂંટણી ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયાથી રોકવામાં આવે. આ મામલે હું મુખ્ય ચૂંટણી અધિકારીને મળવા જઈશ અને તેમને રજૂઆત કરીશ.


આ ઘટના અંગે ગોપાલ ઈટાલિયાએ પણ કહ્યું કે, કંચનભાઈએ ગઈકાલે ફોર્મ ભર્યું ત્યારથી ભાજપના લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા કે તેમનું ફોર્મ સ્વીકારાય નહીં. પરંતુ ફોર્મ સ્વીકારી લેવાતા તેમને ભાજપના લોકો પોતાની સાથે લઈ ગયા અને આખી રાત સુધી અમે તેમને શોધતા રહ્યા.ભાજપે તેમને ડરાવી-ધમકાવીને ફોર્મ પાછું ખેંચવા મજબૂર કર્યા છે. આજે તેઓ પોલીસની સુરક્ષામાં આવ્યા અને ફોર્મ પાછું ખેંચીને જતા રહ્યા. જો તેમણે સ્વેચ્છાએ ફોર્મ પાછું ખેંચવું હોય તો રડતા રડતા કેમ બહાર ગયા? અને પોલીસ સુરક્ષાની જરૂર કેમ પડે?



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે