થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .
વિસાવદર બેઠકની જીત પછી , આમ આદમી પાર્ટીમા જબરદસ્ત ઉત્સાહનો માહોલ છે. તો હવે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા છે . અમદાવાદમાં આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સદસ્યતા અભિયાનનો આરંભ કરાવડાવ્યો છે. તો આ પ્રસંગે ભાવનગર જિલ્લાની ગારિયાધાર બેઠકના MLA સુધીર વાઘાણીની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી . તો આ બાબતે આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્યનો ખેલ પડી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. કેમ કે , આમ આદમી પાર્ટીના અમદાવાદના કાર્યક્રમમાં હાજરી તો ઠીક પણ કાર્યક્રમના બેનરમાં પણ સુધીર વાઘાણીનો ચેહરો ગાયબ હતો . માત્ર ચાર જ ચેહરાઓ ચમક્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી , ગોપાલ ઇટાલિયા , હેમંત ખવા અને ચૈતર વસાવા દેખાયા હતા. ગારિયાધારના MLA સુધીર વાઘાણી પાર્ટીથી અંતર બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. થોડાક સમય પેહલા બોટાદના MLA ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટી સામે વાંધો પડ્યો હતો , તેમણે પક્ષમાંથી તમામ પદેથી રાજીનામુ આપી દીધું હતું , જોકે MLA પદેથી રાજીનામુ નહોતું આપ્યું . હવે આમ આદમી પાર્ટીએ પાંચ વર્ષ માટે તેમને તમામ પદેથી સસ્પેન્ડ કરી નાખ્યા છે. તો હવે ગારિયાધારના MLA સુધીર વાઘાણીની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે.
આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે , "ગારિયાધારના માનનીય ધારાસભ્ય સુધીર વાઘાણી અમારી જોડે જ હતા . એમને સામાજિક કામના કારણે સુરત જવાનું હતું . એટલે કોઈ ખોટી અફવા ફેલાવવાની જરૂર નથી. ગારિયાધારના ધારાસભ્યશ્રી અમારી જોડે છે , મજબૂત છે અને ગારિયાધારના મુદ્દાઓ ઉઠાવે છે. આખી પાર્ટી પણ એમની સાથે છે. એ મુદ્દા પર ખુદ સુધીરભાઈ અહીંયા પરમ દિવસે આવ્યા હતા. અરવિંદ કેજરીવાલને પણ મળ્યા છે સાથે જ અમને પણ મળ્યા છે. મજબૂતાઈથી આગામી સમયમાં પાર્ટીને મજબૂત કરશે." આવનારા સમયમાં ગુજરાતમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. આ પછી ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણીઓ આવશે. તો હવે , આમ આદમી પાર્ટીએ અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. એટલુંજ નહિ , આમ આદમી પાર્ટીની નજર બીજા રાજ્યોમાં પણ કોંગ્રેસના ઘટતા જનાધાર પર છે. જેમ કે , આ વર્ષના ઓક્ટોબર , નવેમ્બર મહિનામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે , આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણીઓ લડવા જઈ રહી છે. તો હવે એ તો સમય જ બતાવશે કે , આમ આદમી પાર્ટી ગુજરાત સહીત દેશના અન્ય રાજ્યોની રાજનીતિમાં કેટલું કાઠુ કાઢે છે?