ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં યોજાઈ રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. દેશના 51 શક્તિપીઠોમાં અંબાજી શક્તિપીઠનું સૌથી અગત્યનું સ્થાન છે. ભાદરવી પૂનમનો મેળો માણવા અને મા અંબાના દર્શન માટે 05 સપ્ટેમ્બરથી જ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ભાદરવી પૂનમ મહામેળાના પાંચમાં દિવસે ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુએ દર્શન કર્યા છે. તેમજ આ પાંચ દિવસમાં 20 લાખથી પણ વધુ શ્રદ્ધાળુએ માતાજીના દર્શન કર્યા છે. તેમજ 2.44 લાખ યાત્રિકોએ નિશુલ્ક ભોજનનો લાભ લીધો છે. જ્યારે 14 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓને પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું છે.
કોરોના મહામારી બાદ બે વર્ષે યોજાયો મેળો
વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો કોરોના મહામારીના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. જોકે બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે તેથી ભાવિક ભક્તોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંબાજીમાં ભક્તિનું ઘોડાપુર ઉમટ્યું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. લાખો પદયાત્રીઓ વિવિધ સંઘો સાથે અંબાજી પહોંચી રહ્યા છે.
શા માટે યોજાય છે ભાદરવી પૂનમનો મેળો
ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ જ છે કે ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે. જેમાં માં આદ્યશક્તિની આરાધના માટે નવ દિવસના નવરાત્રીનો પ્રારંભ થાય છે. નવરાત્રિ નિમિત્તે ભક્તો માં અંબાને પોતાના ગામ પરત ફરવા માટેનું આમંત્રણ આપે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાને નવરાત્રીનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિક ભક્તો ભાદરવી પૂનમના મહામેળામાં આવી માં અંબાના આશીર્વાદ લઇ માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ આવવા માટેનું આમંત્રણ આપે છે.નવરાત્રિ નિમિત્તે માં અંબાના શક્તિપીઠને ધજા ચડાવી લોકો પોતાના ગામ લઈ જાય છે. જે ઉપરાંત અને પગપાળા લોકો ગરબો લઈ મા ના દ્વાર સુધી આવે છે.
                            
                            





.jpg)








