જ્ઞાન સહાયક મુદ્દે દરેક બાજુથી સરકાર ઘેરાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ આંદોલનો કરવામાં માટે ટેટ-ટાટના ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવા માટે ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ઉમેદવારોના સમર્થનમાં છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ આ જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા તેમજ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા શિક્ષણ બચાવો ધરણા કરવામાં આવ્યા હતા. ત્યારે આજે જ્ઞાન સહાયકના વિરોધમાં અનંત પટેલે સુરત જિલ્લામાં રેલી કાઢી હતી અને સુરત જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
સુરત જિલ્લામાં અનંત પટેલે જ્ઞાન સહાયકના વિરોધમાં કાઢી રેલી
શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે અનોખી રીતે સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીએ દાંડી યાત્રા 2.0ની શરૂઆત કરી હતી જે આજે પોતાના મુકામે પહોંચવાની છે. આમ આદમી પાર્ટીએ ઉંધી દાંડી યાત્રાનું આયોજન કર્યું હતું. દાંડીથી અમદાવાદ પહોંચ્યા છે. યુવરાજસિંહ, ચૈતર વસાવા સહિત હજારોની સંખ્યામાં ઉમેદવારો યાત્રામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા પણ આ જ્ઞાન સહાયકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ બચાવ ધરણા પણ કોંગ્રેસે યોજ્યું હતું. ત્યારે આજે સુરત ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ જ્ઞાન સહાયકના વિરોધમાં રેલીનું આયોજન કર્યું હતું. સુરત જિલ્લામાં રાજ્યપાલને સંબોધીને પત્ર લખ્યો અને તે પત્ર સુરતના કલેક્ટરને આપવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર અનંત પટેલે કરી પોસ્ટ
અનંત પટેલે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા છે જેમાં તેમણે લખ્યું છે કે 'જ્યારે સરકારશ્રી નું ભણશે ગુજરાત બોલશે ગુજરાત નું સૂત્ર હોય અને વિધાર્થી ભણીને બહાર નીકળી નોકરી ની માંગ કરશે તો એમને ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવાની યોજના બહાર પાડવામાં આવતી હોય જેથી સરકારશ્રી નું આ સૂત્ર અહીં ચરિતાર્થ થતું નથી. કેટલાય વર્ષોની મહેનત પછી પોતે શિક્ષક બનછે એ હજારો યુવાનો યુવતીઓ નું સપનું રોળાઈ રહ્યું હોય અને એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોય અને જે શિક્ષક નુજ ભવિષ્ય અંધકારમય હોય તો એ શિક્ષક બાળકોનું ઘડતર કઈ રીતે કરશે'
સરકાર પોતાનો નિર્ણય બદલશે?
મહત્વનું છે કે ઉમેદવારોને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીનું સમર્થન મળી રહ્યું છે પરંતુ સરકાર ક્યારે ઉમેદવારોની માગ સ્વીકારશે તે જોવું રહ્યું. આવા આંદોલનોથી સરકાર પર જ્ઞાન સહાયક રદ્દ કરવાનું પ્રેશર બને છે કે કેમ તે તો સમય બતાવશે.






.jpg)








