રાજ્યમાં ભાજપની સરકાર તો બની પણ વિધાનસભામાં મુખ્ય વિપક્ષ કોણ બનશે, શું છે બંધારણીય જોગવાઈ?


  • Published By :
  • Published Date : 2022-12-12 18:17:58

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આજે 16 મંત્રીઓએ શપથ લીધા છે. જો કે હવે ખરો સવાલ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોણ બનશે? કોંગ્રેસ કે આપમાંથી કઈ પાર્ટી બનશે મુખ્ય વિપક્ષ?


મુખ્ય વિપક્ષ બનવા માટે શું છે જોગવાઈ?


રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક અને કોંગ્રેસે 17 બેઠક મેળવતા કોંગ્રેસને વિરોધ પક્ષના નેતાની માન્યતા મળશે કે કેમ તે પ્રશ્ન સર્જાયો છે. અગાઉ વિધાન સભાના અધ્યક્ષોએ કુલ બેઠકના 10% ધારાસભ્યો હોવાનું ઠરાવ્યું છે અને તેથી કોંગ્રેસને 18 કે 19 ધારાસભ્યો હોય તો વિપક્ષનું નેતાપદ મળે પરંતુ તેમાં શાસક પક્ષની ઉદારતા કેટલી છે તે પણ એક સવાલ છે. હવે કોંગ્રેસને મુખ્ય વિપક્ષ બનવા માટે ભાજપ પર નિર્ભર રહેવું પડશે. રાજ્યની ભાજપ સરકારે અત્યાર સુધીમાં પરંપરા મુજબ વિધાનસભામાં નાયબ અધ્યક્ષપદ પણ વિપક્ષને આપવું જોઇએ પરંતુ છેલ્લી કેટલીક ટર્મથી તે પણ અપાયું નથી અને તેના બદલે અધ્યક્ષની પેનલ રચાય છે અને તેમને અધ્યક્ષની ગેરહાજરીમાં કોઇ એક વ્યક્તિને અધ્યક્ષપદે બેસાડાય છે.


મુખ્ય વિપક્ષના નેતાઓને મળતા લાભ


વિપક્ષનું નેતાપદ જેને મળે તે કેબીનેટ મંત્રી સમકક્ષ હોદો ધરાવે છે તેને કેબીનેટ મંત્રીની જે સુવિધા મળે તે તમામ મળે છે. વિધાનસભામાં અનેક મહત્વની સમિતિઓમાં પણ વિપક્ષને મહત્વના સ્થાન મળે છે. જેમ કે જાહેર હિસાબની સમિતિ કે જે સૌથી મહત્વની ગણાય છે તેમાં પણ વિપક્ષના નેતા અધ્યક્ષપદે હોય છે. ગુજરાત વિધાનસભા (વિરોધ પક્ષના નેતા) વેતન અને ભથ્થા કાયદો,1979 એવું કહે છે કે, સત્તાપક્ષ સિવાયના પક્ષમાં સૌથી વધુ ધારાસભ્યોની સંખ્યા ધરાવતા પક્ષને વિરોધ પક્ષની માન્યતા પણ મળે છે અને તેના નેતાને નિયમ મુજબ તમામ સુવિધા પણ આપવી પડે છે. વિરોધ પક્ષના નેતાને ગાડી, બંગલો, વિધાનસભામાં ઓફિસ અને 19 વ્યકિતનો સ્ટાફ મળે છે.


ભૂતકાળનો અનુભવ શું કહે છે?


વર્ષ 1985માં પણ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી જેવી જ સ્થિતી સર્જાઈ હતી. કોંગ્રેસે 1985માં સ્વ.માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણીમાં 149 બેઠક પર વિજય મેળવ્યો હતો. સામે જનતા દળને 14, ભાજપને 11 અને અપક્ષને 8 બેઠક મળી હતી. આ વખતે સૌથી વધુ ધારાસભ્ય ધરાવતી પાર્ટી તરીકે જનતા દળને વિરોધ પક્ષની માન્યતા મળી હતી. 14 ધારાસભ્યો ધરાવતા જનતા દળને મુખ્ય વિપક્ષ તરીકે સ્વીકારવામાં આવ્યો અને સ્વ. ચીમન પટેલને વિપક્ષના નેતાનું પદ મળ્યું હતું. જો કે મુખ્ય વિપક્ષ માટે વિધાનસભામાં કોઇ નિયમ કે કાયદો નથી. આ વખતે કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ પોરબંદર ચૂંટાયેલા અર્જુનભાઇ મોઢવાડીયા અને આંકલાવથી ચૂંટાયેલા અમિત ચાવડાનું નામ વિપક્ષના નેતા તરીકે ચર્ચાઈ રહ્યું છે પરંતુ તેમને વિરોધ પક્ષના નેતા બનાવવા કે કેમ તેનો નિર્ણય શાસક ભાજપ પર નિર્ભર રહે છે. એટલે આખરી નિર્ણય તો ભાજપના નેતાઓ જ લેશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે