મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજધાની દિલ્હીની મુલાકાતે છે. જેનાથી ગુજરાતના રાજકારણમાં અને તેમાંય સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં નવાજૂનીનાં એંધાણ લાગી રહ્યા છે. આજે સવારે સ્ટાર્ટઅપ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થઇ ગયા છે. જોકે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આ પ્રવાસ માત્રને માત્ર સરકારી બાબતોને લઇને છે અને તે સંપૂર્ણપણે બિનરાજકીય છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની તમામ અટકળો વચ્ચે આજે દિલ્હીની મુલાકાતે છે. સંભાવના છે કે નવરાત્રી પછી મંત્રીમંડળનું વિસ્તરણ થાય. જોકે એ માહિતી બહાર આવી છે કે , મુખ્યમંત્રીનો આ દિલ્હી પ્રવાસ માત્રને માત્ર સરકારી બાબતને લઇને છે અને તે તદ્દન બિનરાજકીય છે. જોકે , મંત્રીમંડળનું વિસ્તરણ તેમના દિલ્હી પ્રવાસ બાદ તાબડતોડ તો નહિ પરંતુ નવરાત્રી બાદ અને સંભવત દિવાળી પહેલાના સમયગાળામાં થવું જોઈએ તેવી માહિતી પણ સામે આવી રહી છે. વાત કરીએ , ગુજરાતના મંત્રીમંડળની તો , હાલમાં તો મંત્રી બચુ ખાબડ અને ભીખુ પરમારના મંત્રી પદ જઈ શકે છે તેવી સંભાવના છે. આ ઉપરાંત , વર્તમાન મંત્રીમંડળમાં સાતથી આઠ ચહેરા કપાઈને નવા દસેક મંત્રીઓ આવી શકે છે. મંત્રીમંડળનું કુલ કદ ૨૩ થી ૨૫ની આસપાસનું હોઈ શકે તેવું પણ સામે આવી રહ્યું છે.
બીજી તરફ , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશપ્રમુખના પદે સી આર પાટીલને પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો છે. હાલમાં નવાપ્રદેશ પ્રમુખને લઇને નિર્ણય અટકી ચુક્યો છે. હવે ગૃહમંત્રી અમિત શાહ આજે પણ ગુજરાત પ્રવાસે છે . આ પહેલા થોડાક સમય પહેલા , પીએમ મોદી શનિવારે જ ભાવનગરની મુલાકાતે આવીને ગયા હતા.