દેશના પાંચ રાજ્યોમાં થોડા સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે. એક તરફ ચૂંટણીનો ધમધમાટ શરૂ છે તો બીજી તરફ અનેક જગ્યાઓ પર, અનેક નેતાઓને ત્યાં ઈડી દ્વારા રેડ પાડવામાં આવી રહી છે. મુખ્યત્વે એવી જગ્યાઓ પર રેડ કરવામાં આવી છે જ્યાં ચૂંટણી યોજાવાની છે. અઠવાડિયાના અંતે જમાવટ પર દેવાંશી જોષી ડિબેટ શો કરે છે જેમાં ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તા આવતા હોય છે. કરંટ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે ત્યારે ઈડીની રેડ મુદ્દે આ ડિબેટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ ડિબેટમાં ઉગ્ર ચર્ચા ત્યારે થવા લાગી જ્યારે પેપરલીકનો મુદ્દો ઉઠ્યો.
ગુજરાતમાં 22 જેટલા પેપર ફુટ્યા પરંતુ....
રાજસ્થાનમાં આવનાર દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ચૂંટણી યોજાતી હોય છે. ત્યારે રાજસ્થાનમાં ચૂંટણીનો મુદ્દો પેપરલીક રહ્યો છે. રાજસ્થાનમાં પેપરલીક મુદ્દે ભાજપ ચૂંટણી લડવા માગે છે તેવું લાગી રહ્યું છે. રાજસ્થાનમાં પેપરલીકને લઈ ભાજપ આક્રામક દેખાઈ રહી છે. ભાજપને રાજસ્થાનમાં થતી પેપરલીકની ઘટના દેખાય છે પરંતુ ગુજરાતમાં બનતી પેપરલીકની ઘટના નથી દેખાતી.! ગુજરાતમાં એક નહીં પરંતુ 22 જેટલા પેપર ફૂટ્યા છે. પરંતુ ભાજપ મૌન છે...! આવી વાતો કોંગ્રેસ તરફથી આવેલા પ્રવક્તાએ કહી હતી. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે રાજસ્થાનમાં પેપર લીક થયું તો ઈડી મોકલી. પરંતુ ગુજરાતમાં 22 પેપર ફૂટ્યા છે ઈડી ક્યાં? રાજસ્થાન જેવી કાર્યવાહી ગુજરાતમાં ક્યારે થશે તેનો જવાબ કોંગ્રેસના પ્રવક્તાએ ભાજપના પ્રવક્તાથી માગ્યો હતો.
રાજસ્થાનમાં જેવી કાર્યવાહી કરાઈ રહી છે તેવી કાર્યવાહી ગુજરાતમાં ક્યારે થશે?
ગુજરાતમાં અનેક પેપર ફૂટ્યા છે. દિવાળીમાં જેમ ફટાકડા ફૂટે છે તેવી રીતે ગુજરાતમાં પેપર ફૂટે છે તેવી વાતો વિપક્ષ દ્વારા અનેક વખત કરવામાં આવે છે. ગુજરાતમાં એ હદે પેપર ફૂટી રહ્યા છે કે શાળાનું પેપર ફૂટે છે. રાજસ્થાનમાં પણ પેપર ફૂટ્યું, તે મુદ્દા પર ભાજપ દ્વારા ચૂંટણી લડવામાં આવવાની છે, ભાજપનો તે મોટો મુદ્દો છે. ત્યારે આ વાતને લઈ કોંગ્રેસે ડિબેટમાં ભાજપના પ્રવક્તાને પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતમાં 22 પેપર ફૂટ્યા છે પરંતુ ઈડી ત્યાં કાર્યવાહી ક્યારે કરશે ?