ભારતીય રિઝર્વ બેંકે (RBI) એ ગુજરાતની સહકારી ક્ષેત્રની ત્રણ બેંકો સામે આકરી કાર્યવાહી કરતાં દંડ ફટકાર્યો છે. રાજ્યની આ ત્રણ અગ્રણી બેન્કોમાં કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ લિ., ગાંધીધામ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ. અને મેઘરજ નાગરિક સહકારી બેંક લિ.નો સમાવેશ થાય છે. આ બેન્કોની કામગીરી રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે ન હોવાથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આ કાર્યવાહી કરી છે.
RBIએ કઈ સહકારી બેંકને કેટલો દંડ પટકાર્યો
મીડિયા રિપોર્ટ મુજબ, રિઝર્વ બેંકે (RBI)એ રાજકોટની સહકારી બેંક કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ લિ.ને સૌથી વધુ 2 લાખ રૂપિયાનો આ ઉપરાંત ગાંધીધામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડને રુ. 50,000 અને મેઘરજ નાગરિક સહકારી બેંક લિમિટેડને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
RBIએ રાજકોટની સહકારી બેંકને શા માટે દંડ કર્યો
આ દંડની કાર્યવાહી અંગે RBIએ રાજકોટની સહકારી બેંકને જણાવ્યું હતું કે બેંકે 10 વર્ષથી વધુ સમયથી બાકી રહેલા કેટલાક ખાતાઓમાં ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં બાકીની રકમ જમા કરી નથી. જેના કારણે બેંકને નોટિસ પાઠવી કારણ પૂછવામાં આવ્યું હતું. જો કે, રાજકોટની આ બેંકે યોગ્ય કારણો ન આપતાં આ સંબંધે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.
ગાંધીધામ અને મેઘરજ બેંકે લોનના નિયમોનું પાલન ન કર્યું
કચ્છની જાણીતી ગાંધીધામ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંકે લોનની મંજૂરીના મામલે નિયમોનું પાલન કર્યું નથી. જ્યારે ત્રીજી બેંક મેઘરજ નાગરિક સહકારી બેંકે પણ આવી જ રીતે નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ બેંક માટે આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે બેંકે 6 લોન મંજૂર કરી હતી, જેમાં ડાયરેક્ટરોના સંબંધીઓ કોલેટરલ/જામીનદાર તરીકે સામેલ હતા અને તેમને લોન આપી દેવામાં આવી હતી.
RBIની કાર્યવાહીથી ત્રણેય બેન્કના ગ્રાહકોના હિતો સુરક્ષિત
ભારતીય રિઝર્વ બેંક ત્રણ સહકારી બેંકો સામે કરેલી આ કાર્યવાહીથી બેન્કના ગ્રાહકોને કોઈ અસર થશે નહીં. ઉલ્લેખનિય છે કે RBI નિયમોના પાલનમાં રહેલી ખામીઓને લઈને બેંકો પર સતત ચાંપતી નજર રાખે છે અને કડક કાર્યવાહી પણ કરે છે. અગાઉ સપ્ટેમ્બરમાં પણ રિઝર્વ બેંકે રાજ્યની ત્રણ સહકારી બેંકો પર દંડ લગાવ્યો હતો.






.jpg)








