ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણ ગમે ત્યારે પલટાઈ જાય છે તે ખબર નથી પડતી. અનિયમિત વાતાવરણ થઈ ગયું છે. ત્યારે ઉનાળામાં કમોસમી વરસાદ વરસ્યો છે જેને કારણે ખેડૂતોની પીડા અસહનીય બની ગઈ છે. કુદરતનો માર સહન કરવા ખેડૂતો મજબૂર બન્યા છે. ત્યારે મોડાસાના ઉમેદપુર ગામથી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ઉનાળાના સમયમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉમેદપુર નદી બે કાંઠે વહી રહી છે. જેને કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે.
ગામમાં સર્જાઈ પુર જેવી સ્થિતિ
ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદે એન્ટ્રી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. કોઈ જગ્યાએ કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે તો કોઈ જગ્યાએ કરા સાથે વરસાદ વરસ્યો હતો. મોડાસાના ઉમેદપુર ગામના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પુર આવ્યું હોય તે રીતના કમોસમી વરસાદે તારાજી સર્જી છે. ઉમેદપુર ગામમાં સતત બે કલાક વરસાદ પડ્યો હતો. જેને કારણે ઉમેદપુર નદી બે કાંઠે વહી રહી છે. બે કાંઠે નદી વહેવાને કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામનો સંપર્ક તૂટતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


ગ્લોબલ વોર્મિંગને કારણે સર્જાઈ આવી પરિસ્થિતિ!
ભર ઉનાળે બે કાંઠે વહી રહેલી નદી એ કુદરતની કેટલી મોટી ચેતવણી છે, જેને કદાચ આપણે સમજી જ નથી રહ્યા. અનેક વખત વિકાસના નામે આપણે વિનાશ કરી દેતા હોઈએ છીએ. ગ્લોબલ વોર્મિંગ એટલી હદે વધી રહી છે, કે એક દિવસ આ જ ગ્લોબલ વોર્મિંગ આપણા વિનાશનું કારણ બની શકે છે. એવું લાગી રહ્યું છે, શહેરમાં થતા પ્રદુષણની અસર ગામડાઓમાં પણ દેખાઈ રહી છે, જેનું પરિણામ જગતના તાત એવાં ખેડૂતને ભોગવવું પડે છે. અંતે ખેડૂતોને રડવાનો વારો આવતો હોય છે.