બળદના બદલે હળ બાંધી ખેતીમાં જોતરાવા મજબૂર બન્યો ખેડૂત, પાવી જેતપુરના ખેડૂતનો આ વીડિયો ખેડૂતની કહાની વર્ણવે છે


  • Published By :
  • Published Date : 2023-07-11 22:34:32

આપણો દેશ આઝાદ થયાને 75 વર્ષ પુરા થયા અને દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ પણ ધામધૂમથી મનાવવામાં આવ્યો. જો કે દેશમાં ખેડૂતોની દયનિય સ્થિતીમાં કોઈ ફરક પડ્યો નથી. આજે પણ દેશના હજારો ખેડૂતો દારૂણ ગરીબીમાં જીવી રહ્યા છે. જગતનો તાત ધાન્ય તો ઉગાડે છે પણ તેને તેની કૃષિ ઉપજનો યોગ્ય ભાવ પણ મળતો નથી. આજે ખેતી કરવી મોંઘી બની રહી છે, મોંઘા બિયારણ, મોંઘા થઈ રહેલા ખેતીના સાધનો તથા ઘટી રહેલી ખેતીલાયક જમીનના કારણે સામાન્ય માણસ ખેતી છોડીને રોજી રોટી રળવા માટે શહેરો તરફ દોટ મુકી રહ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના આ ખેડૂતનો વીડિયો દેશના ખેડૂતોની દુર્દશા વર્ણવી રહ્યો છે. આ વીડિયો આપણને વર્ષ 1957માં આવેલી મહેબુબ ખાનની સુપરહિટ ફિલ્મ 'મધર ઈન્ડિયા' અને તે ફિલ્મમાં અભિનેત્રી નરગીસ પર ફિલ્માયેલું ગીત "દુનિયા મે આયે હૈ તો જીના હી પડેગા, જીવન ઝહર હૈ તો પીના હી પડેગા"ની યાદ તાજી કરી દે છે.


બળદના બદલે હળ બાંધી ખેતીમાં જોતરાયો ખેડૂત


છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાનો આ ખેડૂત દારુણ ગરીબીમાં જીવી રહ્યો છે. ખેડૂત પેટનો ખાડો પૂરવા માટે જાતે બળદના બદલે હળ ખેંચવા મજબૂર બન્યો હતો. ખેડૂતનું દ્રશ્ય જોઈને ભલભલાના રૂવાડા ઊભા થઇ જાય તે સ્વાભાવિક છે. માત્ર એક વિઘા જમીનમાં ખેતી કરતાં અનુપભાઈ વેચાતભાઈ નામના ખેડૂત પાસે આવકનું બીજું કોઈ સાધન નથી. પોતાનો એક દીકરો છે તે પણ માનસિક રીતે દીવ્યાંગ છે અને પરિવારમાં ચાર જણાનું ગુજરાન ચલાવવા માટે ખેતી જ એક વ્યવસાય છે, પરંતુ ખેતી કરવા માટે નથી તેમની પાસે ટ્રેક્ટર કે બળદ નથી, આવક ઓછી હોવાને કારણે ભાડે પણ લઈ શકતા નથી. જેને લઈને ખેતરને ખેડવા માટે પોતાની પત્ની સાથે મળીને હળને દોરડું બાંધીને પોતાના ખભે મૂકીને ખેંચે છે અને પત્ની પાછળના ભાગથી જમીનને ખેડતા હૃદયને હચમચાવી નાખતા દૃશ્યો સામે આવ્યા છે. આ દૃશ્યો મક્કમ મનના માનવીને પણ અંદરથી હલાવી નાખે તેવા છે.


મજબુરીમાં ખેતી


ખેડૂત અનુપભાઈ તેમની આપવીતી વર્ણવતા જણાવે છે કે તેમની પાસે વડીલોપાર્જીત માત્ર એક વિઘા જેટલી જમીન છે. જો કે આટલી જમીન ઘરના ચાર જણાનું પેટ ભરવા માટે પુરતી નથી, તેથી બીજા લોકોની એક-બે એકર જમીન ખેડું છું. ટુંકી આવકમાં પરિવારનું માંડ પુરૂ થતું હોય ત્યાં ખેતીના મોંઘા ઓજારો, બળદ અને ટ્રેક્ટર તો ક્યાંથી પોસાય? આ જ કારણે હવે જ્યારે ચોમાસામાં હવે જ્યારે વાવણીનો સમય થયો છે ત્યારે તે પોતે જ બળદને બદલે હળ ખભે બાંધી ખેતીમાં જોતરાયા હતા અને તેમની પત્નીએ ખેતરમાં હળ ચલાવ્યું હતું. ખૂબ જ મહેનત માગી લે તેવા આ કામમાં ખેડૂત દંપતી જોતરાયા તે દ્રશ્ય જ કંપારી આવે તેવું છે. આશા રાખીએ કે આ દ્રશ્ય જોઈને સરકારની આંખ ખૂલે અને ખેડૂતોને દયનિય સ્થિતીમાંથી બહાર લાવવા પુરી ઈચ્છાશક્તિથી કામ કરે.


બાળ મજુર તરીકે કામ કર્યું તે જ ખેતરમાં મહેબુબ ખાને કર્યું હતું શુટિંગ 


બોલિવૂડના ફિલ્મ ઈતિહાસમાં 'મધર ઈન્ડિયા' ફિલ્મને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે તે બોલીવુડની પ્રથમ હિન્દી ફિલ્મ હતી જેને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી હતી. 1954માં 'મધર ઈન્ડિયા' ફિલ્મનું શૂટિંગ ગુજરાતના મહુવા તાલુકાના ઉમરા ગામમાં અંબિકા નદીના કિનારે થયું હતું. એવું કહેવાય છે કે ફિલ્મ 'મધર ઈન્ડિયા' અને તે ફિલ્મમાં અભિનેત્રી નરગીસ પર ફિલ્માયેલું ગીત "દુનિયા મે આયે હૈ તો જીના હી પડેગા, જીવન ઝહર હૈ તો પીના હી પડેગા"નું શુટિંગ જે ખેતરમાં થયું હતું તે જ ખેતરમાં ફિલ્મના ડાયરેક્ટર મહેબુબ ખાને પણ બાળ મજુર તરીકે કામ કર્યું હતું. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.