બનાસકાંઠાના દિયોદરના સાણદરથી ગાંધીનગર સુધી શરૂ થયેલી ખેડૂતોની ન્યાય યાત્રા વધુ ઉગ્ર બને તેવી આશંકા છે. બનાસકાંઠાના ખેડૂતોની આ પદયાત્રામાં હવે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા અને દિલ્હીના કિસાન આંદોલનથી જાણીતા બનેલા જાણીતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતની પણ એન્ટ્રી થઈ છે. સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણનાં રાજીનામાની માગ સાથે નિકળેલી આ ખેડૂત ન્યાય યાત્રામાં 18 ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય કિશાન નેતા રાકેશ ટિકૈત જોડાશે. ઉલ્લેખનિય છે કે દીયોદરથી નીકળેલી ખેડૂત ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ છે.
ખેડૂતોએ શા માટે યોજી ન્યાયયાત્રા?
ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં 7 ઓગષ્ટના રોજ દિયોદરમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પણ પહોંચ્યા હતા. ખેડૂતોના પ્રશ્નો પર અગાઉ અનેક વખત આંદોલન કરનારા અમરાભાઈને ધારાસભ્યના સમર્થક અરજણ નામના શખ્સે બે થપ્પડ માર્યા હતા. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. ત્યાર બાદ હજારો ખેડૂતોએ ધારાસભ્ય કેશાજી ચૌહાણનાં રાજીનામાની માગ સાથે ખેડૂત આગેવાન અમરા ચૌધરીએ ખેડૂતો સાથે આજે સણાદરથી ગાંધીનગર સુધીની ન્યાય પદયાત્રા શરૂ કરી છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી ભાજપ ધારાસભ્ય કેશાજી ચૌહાણની રાજીનામાની માગ કરશે. ન્યાય પદયાત્રામાં ખેડૂત આગેવાન અમરા ચૌધરીના સમર્થનમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે. ખેડૂત ન્યાય યાત્રામાં જોડાવા માટે રાકેશ ટિકૈતને આમંત્રણ આપવામાં આવ્યું હોવાની જાણકારી સામે આવી છે.






.jpg)








