મહીસાગરમાં સાવ નજીવી બાબતે દલિત પર જીવલેણ હુમલો, હુમલાખોર સામે નોંધાઈ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-06-12 11:08:05

ગુજરાતમાં દલિતો પર હુમલા ચિંતાજનક રીતે વધી રહ્યા છે, મહીસાગર જિલ્લામાં નજીવી બાબતે એક દલિત પર જીવલેણ હુમલો થયો છે. મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયડમ ગામમાં રહેતા નિવૃત્ત દલિત બેંક મેનેજર પર ઝાડની માલિકીની બાબતને લઈને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં માથામાં ઈજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દલિત મણીભાઈ વણકર પર હુમલા બાદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.


શા માટે થયો હુમલો?


દલિત પર હુમલા અંગે સ્થાનિક લોકો પાસેથી મળતી જાણકારી મુજબ કોયડમ ગામમાં મણીભાઈ વણકર નિવૃત્ત બેંક મેનેજર તરીકે જીવન ગુજારે છે અને તેમનું ખેતર ગામ નજીક  આવેલું છે. આ ખેતરના શેઢા ઉપર લીમડાના ઝાડની માલિકીનો બાજુના ખેતર માલિક સાથે વિવાદ ચાલી રહ્યો હતો. ગ્રામજનો દ્વારા ઝાડના માલિકી હકનો નિકાલ કરીને તે મણીભાઈના હોવાનું કહેવાયું હતું. સમાધાન થયાના બીજા દિવસે મણીભાઈ ઝાડ વેચાણે આપવા માટે ઝાડ રાખનારને બતાવવા ગયા. ત્યારે દાંતીયા ગામના અને પડોશી ખેતરના માલિક બાબુ પ્રતાપ બારીયા તથા તેની માતા હીરા બારીયા તેમજ તેની પત્ની નંદાએ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું અને કહેતા હતા કે આ શેઢા વચ્ચે આવેલા ઝાડ અમારી માલીકીના છે અને ગામના માણસોએ જે ન્યાય કર્યો છે તે ખોટો છે. તેમ કહીં બાબુ બારીયા જાતિવિષયક ગાળો બોલવા લાગ્યો હતો. જો કે મણીભાઈએ જાતિ વિશે ગમે તેમ નહીં બોલવાનું કહેતા બાબુ પ્રતાપ બારીયા એકદમ ઉશ્કેરાઇ ગયો અને લોખંડની પાઇપ વડે નિવૃત્ત બેંક મેનેજર પર હુમલો કરતા ડાબા હાથના બાવળા ઉપર મારી દીધી હતી. તેમજ પાઇપનો બીજો ફટકો માથાના ભાગે મારવા જતા વૃદ્ધ નમી જતા માથાના પાછળના ડાબી બાજુના ભાગે વાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું. જેથી બાબુ બારીયા ત્યાંથી ભાગી ગયો. જોકે તેની માતા અને પત્નીએ ધમકી આપી કે હવે ઝાડ લેવા આવીશ તો જાનથી મારી નાખીશું. તેમ કહી જાતિ વિષયક શબ્દો બોલી જતા રહ્યા હતા


હુમલાખોર સામે નોંધાઈ ફરિયાદ


હુમલા બાદ ઘાયલ મણીલાલ વણકરને તાત્કાલિક 108 મારફતે વિરપુરના સરકારી દવાખાનામાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં દલિત પ્રૌઢની સારવાર ચાલી રહી છે. જે બાદ વૃદ્ધે હુમલો કરનાર બાબુ પ્રતાપ બારીયા તથા તેની માતા હીરા બારીયા તેમજ તેની પત્ની નંદા વિરુદ્ધ વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ હુમલો કરાનારા  બાબુ પ્રતાપ બારીયાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.