અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પોલીસ પર જીવલેણ હુમલો, 14 લોકોની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-27 21:09:43

અમદાવાદ શહેરમાં શાંતિ રહે અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આખી રાત શહેરની પોલીસ એલર્ટ મોડમાં રહેતી હોય છે પણ બેફામ બનેલા કેટલાક અસામાજીક તત્વો આપણી સુરક્ષા કરતી પોલીસ પર જ હુમલાઓ કરે છે. અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં સરકારી અધિકારી અને કર્મચારીઓ પર હુમલાના 3 બનાવ બન્યા છે. આજે  વહેલી સવારે ચાલી રહેલા ગરબા બંધ કરાવવા પોલીસની ટીમ પહોંચી ત્યારે 14 લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. શાહીબાગ પોલીસે ગુનો નોંધી 3 મહિલા સહિત 12 આરોપીઓની ધરપકડ કરી છે. 


વહેલી સવાર સુધી ગરબા ચાલુ રહેતા કાર્યવાહી


શાહીબાગ પોલીસ સ્ટેશનમાં PCR વાનમાં નોકરી કરતા ASI અરવિંદસિંહ ચાવડા ડ્રાઈવર સાથે કંટ્રોલ રૂમમાંથી મળેલા મેસેજ માટે હીરાલાલની ચાલી પાસે ગરબા બંધ કરાવવા ગયા હતા. ગરબા બંધ કરવા પરમિશન લેનાર શૈલેષ ઠાકોરને લાઉડ સ્પીકર બંધ કરવા જાણ કરી ત્યારે ગરબા રમતા મહિલા અને પુરુષો પોલીસની ગાડી પાસે બહાર આવી ગયા હતા. બધા બહાર આવતા ASI અરવિંદસિંહે પોલીસની અન્ય ગાડીઓ પણ બોલાવી હતી. જોકે આ ગરબા યોજાયા હતા તેની પરમિશન પણ પોલીસ દ્વારા આપવામાં આવી હતી. જેનો સમય રાત્રિના દસ વાગ્યા સુધીનો હતો. પરંતુ વહેલી સવાર સુધી આ ગરબા ચાલુ રહેતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રુમને મેસેજ કર્યો હતો. જેના આધારે પોલીસની ટીમ આ ગરબા બંધ કરાવવા માટે પહોંચી હતી. જ્યાં ગરબા બંધ કરાવવા પહોચેલી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ પર હુમલાની ઘટનાને પગલે અન્ય પોલીસ ટીમો પણ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી.


ટોળાએ પોલીસ પર કર્યો હુમલો


શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હીરાલાલની ચાલીમાં દેવદિવાળી નિમિતે ગરબાનું આયોજન કરવા માં આવ્યું હતું. શાહીબાગ પોલીસની ટીમ ગરબા બંધ કરાવવા પહોંચી ત્યારે ટોળું ભેગું થયું હતું. ટોળામાંથી ભાવના નામની મહિલાએ કહ્યું કે, ‘આ પોલીસવાળાઓને અહીંથી જવા દેવા નથી. આજે તો પૂરા જ કરી દેવા છે’ આ દરમિયાન ચિરાગ નામના યુવકે લાકડાના દંડાથી જાનથી મારી નાખવાના ઈરાદે માથા પર એક ફટકો માર્યો અને બીજો ફટકો મારવા જતા ASI અરવિંદસિંહે હાથ આગળ કરતા હાથ પર દંડો માર્યો હતો. ત્યારબાદ અન્ય લોકો ભેગા મળીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. અન્ય પોલીસકર્મીઓ છોડવવા વચ્ચે પડતા તેમની સાથે પણ ધક્કામુક્કી કરી હતી. અરવિંદસિંહને માથાના ભાગે દંડો વાગ્યો હોવાથી લોહી નીકળી રહ્યું હતું જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


14 લોકો સામે કાર્યવાહી


પોલીસ પર હુમલા બાદ પોલીસે ગરબા આયોજક, ચાર મહિલાઓ સહિત 14 લોકો સામે પોલીસ પર હુમલો કરવા બદલ કલમ 307, 332, 353, 186, 143, 147, 149, 135(1) મુજબ ગુનો નોધોવામાં આવ્યો છે. ગુનો નોંધ્યા બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી 14 આરોપીઓ પૈકી 3 મહિલા સહિત 12 આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય 2 આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે.


શાહીબાગમાં પોલીસ પર હુમલાની બીજી ઘટના


ઉલ્લેખનિય છે કે થોડા સમયની અંદર શાહીબાગ વિસ્તારમાં આ બીજા હુમલાની ઘટના સામે આવી છે. જે રીતે કોર્પોરેશનના અધિકારીઓ પર હુમલો કર્યો અને ત્યારબાદ હવે પોલીસ પર પણ હુમલા થવાની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે . જાણે કે શાહીબાગ વિસ્તારમાં પોલીસનો કોઈ ખોફ જ ન હોય તે રીતે આ પ્રકારની ઘટનાઓ બને તે ગંભીર બાબત કહીં શકાય.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.