કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકારે કરી નાણાકીય સહાયની જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-05-04 18:49:04

ગુજરાતમાં સતત થઈ રહેલા કમોસમી વરસાદથી ત્રસ્ત ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની પેટે વિશેષ પેકેજ જાહેર કર્યું છે. આ જે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સરકારના આ નિર્ણય અંગે જાણકારી આપી હતી.  


13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકશાની સર્વે


રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકશાની સર્વે અંગેનો રિપોર્ટ મળ્યો હતો. 


અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો


કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સર્વે સંદર્ભે વહીવટી તંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનીધીઓની રજૂઆતો મળી હતી. આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરી છે.


મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય


રાજ્યમાં માર્ચ-2023માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકશાની અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે. ઘઉં, ચણા, રાઈ, કેળ, પપૈયાં વગેરે જેવા ખેતી પાકો માટે મળવાપાત્ર રૂ.13,500 ઉપરાંત વધારાની રૂ.9,500 સહાય સાથે કુલ રૂ.23,000 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય અપાશે. જ્યારે બહુવર્ષાયુ બાગાયતી પાકો જેવા કે આંબા, લીંબુ, જામફળમાં 33 ટકા કે તેથી વધુ  નુકશાનના કિસ્સામાં SDRFના ધારાધોરણ મુજબ પ્રતિ હેક્ટર  મળવા પાત્ર રૂ.18,000ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ.12,600 પ્રતિ હેકટર વધારાની સહાય ગણતરીમાં લઈ કુલ રૂ.30,600 પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. 


ઓછામાં ઓછી રૂપિયા 4000ની સહાય


પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ‘જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂપિયા 4000 કરતાં ઓછી હશે, તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછી રૂપિયા 4000ની સહાય ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.’આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં. 8-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. 7-12 સહિતના જરૂરી સાધનિક પુરાવા સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલા નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે