નડિયાદમાં ચાઇનીઝ દોરીથી યુવતીનું કમકમાટીભર્યું મોત, પરિવારમાં શોકનો માહોલ


  • Published By :
  • Published Date : 2024-01-09 22:04:49

ગુજરાત સરકારે રાજ્યમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ સહિતની વસ્તુના વેચાણ પર કડક પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે દર વર્ષે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા હોય છે. જો કે રાજ્યમાં પ્રતિબંધ હોવા છતા બેફામ રીતે ચાઈનીઝ દોરીનો વેપલો ચાલી રહ્યો છે. આ વર્ષે પણ ઉત્તરાયણ નજીક આવતા ચાઈનીઝ દોરી કારણે મોતના સમાચાર સામે આવી રહ્યા છે. સામાન્ય જનતા તેનો ભોગ બની રહી છે. નડિયાદના મયુરીબેન સરગરા નામની 25 વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતા ઘટના સ્થળે જ મૃત્યુ પામી હતી. શહેરના ફતેપુરા રોડ વિસ્તારમાં ઘટના બની હતી.


એક્ટિવા પર જતી યુવતીનું કમકમાટીભર્યું મોત


નડિયાદના વાણિયાવાડથી ફતેપુરા જવાના રોડ પર ચાઈનીઝ દોરીના કારણે યુવતીનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. 25 વર્ષની યુવતી એક્ટિવા પર જતી હતી તે દરમિયાન તેના ગળામાં અચાનક જ ચાઇનીઝ દોરી વાગી હતી, યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જો કે યુવતીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયુ હતું. યુવતીના કમકમાટી ભર્યુ મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


પોલીસની ધોંસ છતાં ચાઇનીઝ દોરીનું બેફામ વેચાણ


ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા ચાઈનિઝ દોરી વેચનારાઓ પર પોલીસે તવાઈ બોલાવી હતી. શહેરના કોટડા પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો હતો. અમદાવાદના સરસપુર વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનિઝ દોરી ઝડપાઈ હતી. તો પ્રતિબંધિત દોરી વેચતા વેપારી બાબુ જયસ્વાલની ધરપકડ કરવામાં આવી હતી. તે જ પ્રકારે વાપીના વોન્ટેડ વિક્રમ રાઠોડ પાસેથી ચાઈનીઝ દોરી મગાવવામાં આવી હતી. તો 5 હજારથી વધુ દોરીના રિલ સાથે 5.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.