ગુજરાતની ભાજપ સરકાર માટે એક સાંધે ત્યાં તેર તુટે એવી સ્થિતી સર્જાી છે. વિધાનસભ્યની ચૂંટણી નજીક છે ત્યારે કર્મચારી સંગઠનો સરકારને આંખો બતાવી રહ્યા છે. જેથી સરકાર પર સતત દબાણ વધી રહ્યું છે બીજી તરફ સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓએ પણ સરકાર માટે મુશ્કેલી ઉભી કરી છે. હવે ગ્રાન્ટેડ સ્કૂલ સંચાલકો પણ સરકાર સામે મેદાને ઉતાર્યા છે. ગ્રાન્ટેડ સ્કૂલ સંચાલકો વિવિધ માંગણીને લઈ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અને જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો 9800 ગ્રાન્ટેડ સ્કૂલોમાં તાળાબંધીની ચીમકી ઉચ્ચારી છે.
9800 ગ્રાન્ટેડ સ્કૂલોની થશે તાળાબંધી
ગ્રાન્ટેડ સ્કૂલોએ સરકાર સામે વિવિધ માંગણીઓ કરી છે. ગ્રાન્ટેડ સ્કૂલોમાં પરિણામ આધારિત ગ્રાન્ટ કાપ નહીં, પરંતુ 100 ટકા ગ્રાન્ટ ફાળવવા, સ્કૂલોમાં શિક્ષકો અને પ્રિન્સિપાલની ખાલી જગ્યાઓ ભરવા સહિતની માગણીઓ સાથે શાળા સંચાલકોએ કહ્યું કે જો સરકાર આગામી સમયમાં તેમની માગણીઓ નહિ સ્વીકારે તો 9800 ગ્રાન્ટેડ સ્કૂલોની તાળાબંધી કરવામાં આવશે. રાજ્યમાં તાળાબંધીની અસર રાજ્યના 29 લાખ કરતાં વધુ મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને થશે.
ગ્રાન્ટેડ સ્કૂલ સંચાલકોની માંગણી શું છે?
ગ્રાન્ટેડ સ્કૂલ સંચાલકોના સંગઠન શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે, પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો 9800 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલોની તાળાબંધી થશે. આચાર્યની ભરતી માટેની એચમેટ પરીક્ષા પાસ કરનારા જૂના ઉમેદવારોને પ્રાથમિકતા આપવી જોઈએ. સંચાલકોની રજૂઆત છે કે, 2009થી ક્લાર્ક, સેવક અને ગ્રંથપાલની ભરતી થઈ નથી, પરંતુ હવે આ ભરતી જૂની પદ્ધતિ, જૂની જોગવાઈ અને જૂની શૈક્ષણિક લાયકાત પ્રમાણે સ્કૂલ પસંદગી સમિતિ દ્વારા કરવાની છૂટ આપવાનો હુકમ સરકારે કરવો જોઈએ.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સાથે બેઠક કરશે
ગ્રાન્ટેડ સ્કૂલ સંચાલકોની માંગણી છે કે હાલમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.10 અને 12ના પરિણામ આધારે ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે. પરંતુ સરકાર જ ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની નિમણૂક કરે છે. સ્કૂલનું પરિણામ ઘટવાની જવાબદારી પણ શિક્ષકની હોવી જોઈએ. જે શિક્ષકનું પરિણામ ઓછું આવે તેની સામે કાર્યવાહી થવી જોઈએ, નહીં કે સ્કૂલ સંચાલકની ગ્રાન્ટ પર કાપ મૂકવો જોઈએ. સરકારે આ મુદ્દે નીતિમાં પરિવર્તન લાવવું પડશે. સરકાર સામે ગ્રાન્ટેડ શાળા સંચાલકો દ્વારા આંદોલનની રણનીતિ ઘડી છે. કોઈ આંદોલન કે વિરોધ પહેલા ગ્રાન્ટેડ શાળા સંચાલકો શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સાથે એક મુલાકાત કરવા માગે છે અને સરકારનું આ સમગ્ર મુદ્દે વલણ જાણવા માગે છે.
                            
                            





.jpg)








