ગુજરાત વિધાનસભા ચૂંટણી પર સમગ્ર દેશની નજર છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાત હિંદુત્વની લેબોરેટરી રહ્યું છે. ગુજરાત જીતવું તે ભાજપ માટે અનિવાર્ય છે, અને તેથી જ ભાજપે જીત માટે તમામ તાકાત લગાવી દીધી છે. ચૂંટણીમાં ભાજપ માટે કરો યા મરોની સ્થિતી સર્જાઈ છે, તેનું કારણ એ છે કે આ વખતે વિરોધ પક્ષ કોંગ્રેસ ઉપરાંત ત્રીજી ફેક્ટર આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટીને બહુમતી તો નહીં મળી શકે પરંતું કેટલીક સીટો જીતવામાં ચોક્કસ સફળ રહેશે. આમ આદમી પાર્ટીનું સૌથી વધુ ફોકસ હાલ સુરત પર છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, ધાર્મિક માલવિયા, અલ્પેશ કથિરિયા, મનોજ સોરઠિયા, રામ ધડૂક જિલ્લાની વિવિધ વિધાનસભા સીટો પરથી ચૂંટણી લડી રહ્યા છે.
સુરત પર 'આપ'ની નજર
ગુજરાતમાં વર્ષ 2021માં થયેલી સ્થાનિક નગરપાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટી કૉંગ્રેસને સ્થાને બીજા ક્રમની પાર્ટી બનીને સામે આવી હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સુરતમાં 27 બેઠક મળી હતી અને વોટનો શૅર 28 ટકા રહ્યો હતો. આ જીતથી આમ આદમી પાર્ટી ઉત્સાહમાં છે અને તેમને આશા છે કે આ પરિણામોનું તેઓ વિધાનસભાની ચૂંટણીમાં પણ ક્ષેત્રમાં પુનરાવર્તન કરી શકશે.
સુરતમાં પાટીદારોનું આપને મજબુત સમર્થન
સુરતના ઉમેદવારો પર નજર કરીએ તો કેટલાંકનાં મૂળ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલાં છે. અને પાટીદાર અનામત આંદોલનને સૌરાષ્ટ્રના પાટીદાર સમુદાયનું સમર્થન હાંસલ હતું. પાટીદાર સમાજ સુરતમાં પણ અમુક બેઠકો પર ચાવીરૂપ ભૂમિકામાં છે, તેમની એક પ્રકારે આ વિસ્તારોના મતદારો પર પકડ છે. તેથી આ વાતનો લાભ લેવા માટે આમ આદમી પાર્ટીએ આ ઉમેદવારોને સુરતથી ઉતાર્યા છે. આ વખતે કતારગામ અને વરાછાની બેઠક પર તો આમ આદમી પાર્ટીને જરૂર સફળતા મળશે, અને તેનો આંકડો આ સિવાય વધશે તેવી પૂરી શક્યતા છે.
આપના 4 કદાવર નેતાઓ
ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે સુરત જ એક માત્ર આશાનું કેન્દ્ર છે. સુરતમાં જ આપ તરફી લહેર જોવા મળી રહી છે. આપ આદમી પાર્ટીએ તેના મોટાં માથાં ઓને સુરત જિલ્લાની વિવિધ સીટો પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેમ કે કતારગામ સીટ પરથી ગોપાલ ઈટાલિયા અને વરાછા બેઠકથી પર અલ્પેશ કથિરિયા ચૂંટણી લડી રહ્યા છે.આ બંને બેઠકોમાં પાટીદારોની બહુમતી છે. તેમજ 3.59 લાખ મતદારોવાળી બેઠક ઓલપાડમાં પણ આપે ધાર્મિક માલવિયાને ટિકિટ આપી છે. કારંજ સીટ પરથી મનોજ સોરઠિયા તો કામરેજ બેઠક પરથી આપે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા રામ ધડૂકને ટિકિટ આપી છે, જે ભાજપ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.
                            
                            





.jpg)








