IAS નીતિન સાંગવાન પર સાબરકાંઠામાં હુમલો, 12 લોકો સામે નોંધાઈ FIR, ત્રણની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-03-09 16:47:55

ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ પ્રોજેક્ટના નિયામક અને IAS અધિકારી નીતિન સાંગવાન પ્રોજેક્ટમાં ગેરરીતિઓની આશંકાને પગલે તપાસ કરવા માટે ગયા ત્યારે તેમના પર હુમલો થયો હતો. માછીમારીનો કોન્ટ્રાક્ટ ધરાવતાં લોકોના જૂથ દ્વારા તેમનું અપહરણ કરીને તેમની સાથે મારઝૂડ કરવામાં આવી હતી. આ મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સહિત 12ના ટોળા સામે ફરિયાદ નોંધાઇ છે.  પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે સાબરકાંઠા ડીએસપી વિશાલ વાઘેલાએ જણાવ્યું છે કે આરોપીઓને શોધવાની કાર્યવાહી ચાલી રહી છે.


મામલો શું હતો?


ફિશિંગ કમિશનર નીતિન સાંગવાન ત્રણ દિવસ પહેલા સાબરકાંઠા જિલ્લાના વડાલી પાસે સાબરકાંઠા અને મહેસાણાના સરહદે આવેલા ધરોઈ જળાશય પર વિઝીટ કરવા માટે આવ્યા હતા. અહીં માછલી ઉછેરનો વ્યવસાય કરતા ખેડબ્રહ્માના કંથાપુર ગામના માછલી ઉછેર કરનાર બાબુ પરમારને આ વાતની જાણ થઈ હતી. જેથી નીતિન સાંગવાનની વિઝીટ દરમિયાન ગેરરીતીને લઈને પોતાની ઉપર કાયદેસરની કાર્યવાહી થવાની બીકે બાબુ પરમારે ઉશ્કેરાઈ જઈને કમિશનરના ઘૂંટણના ભાગે બચકું ભરીને ઈજાઓ પહોંચાડી હતી.


નીતિન સાંગવાનને બંધક બનાવવામાં આવ્યા


બાબુ પરમારે 10થી 12 અન્ય માણસોને બોલાવ્યા હતા તેમણે આઈએએસ અધિકારીને માર માર્યો હતો. લાકડીઓ સાથે સશસ્ત્ર ઘટનાસ્થળે આવેલા આ લોકોએ સાંગવાન અને તેમની ટીમને તેઓ ફરિયાદ નહીં કરે તેવું લખાણ લખી ન આપે ત્યાં સુધી બંધક બનાવી રાખ્યા હતા. આરોપીઓએ ફિશિંગ અધિકારી અને કર્મચારીઓને કહેલું કે, 'તમારે જીવતા બહાર જવું હોય તો લખાણ લખી આપો કે, "આજરોજ મેં ક્રેઝની મુલાકાત લીધી છે અને મુલાકાત વખતે બાબુભાઈ સાથે બોલાચાલી થયેલી અને બાબુભાઈને મુક્કા મારેલા તે બાબતે સમાધાન થઇ ગયું છે, જેથી હું પોલીસમાં ફરિયાદ કરીશ નહીં" તેવું લખાણ લખી આપવાનું કહ્યું હતું. આ માથાભારે લોકોએ સાંગવાન અને તેની ટીમના સભ્યોને ડેમમાં ફેંકી દેવાની પણ ધમકી આપી હતી.


મહામુસીબતે છુટકારો


IAS અધિકારી નીતિન સાંગવાન અને તેમની ટીમે આરોપીઓની ચૂંગાલમાંથી જેમતેમ કરીને છુટકારો મેળવ્યો હતો. કેદમાંથી છુટ્યા બાદ તેમણે 12 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. જેમાં કમિશનર સાથે આવેલા અધિકારીઓને ભયમાં મુકવા માટે, કમિશનર અને સાથે આવેલા અધિકારીઓ અને કર્મચારીઓને સરકારી ફરજમાં રુકાવટ કરી સરકારી અધિકારીઓ પર હુમલો કરવાને લઈને વડાલી પોલીસ સ્ટેશનમાં ફિશિંગ અધિકારી દિનેશ નટવરલાલ પટેલે ફરિયાદ નોંધાવી હતી.


3 આરોપીઓની ધરપકડ


IAS અધિકારી નીતિન સાંગવાન અને તેમની ટીમે ખેડબ્રહ્માના કંથાપુરના બાબુ પરમાર, દિલીપ પરમાર, બનાસકાંઠાના દાંતા તાલુકાના અડેરણના રાજુ ગમાર, નિલેષ ગમાર, રાહુલ અને બીજા 10થી 12 જણાના ટોળા સામે ફરીયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાયા બાદ વડાલી પોલીસ એક્શનમાં આવી હતી, પોલીસે બનાસકાંઠાના દાંતાના નિલેષ ગમાર, વિષ્ણુ ગમાર અને ખેડબ્રહ્માના કંથાપુરના દિલીપ પરમારની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.