Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુજરાતને સમર્પિત રચના - હું એવો ગુજરાતી....


  • Published By :
  • Published Date : 2024-10-23 18:30:24

અમે ગુજરાતી... આ શબ્દ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે છાતી ફૂલી જાય.. નર્મદાને આપણે ત્યાં જીવાદોરી ગણવામાં આવે છે.. તે સિવાય પણ અનેક નદીઓ છે જે ગુજરાતમાં પ્રાણ પૂરે છે. ગુજરાતનો પ્રિય તહેવાર છે નવરાત્રી.. ગુજરાત માટે જેટલું લખીએ તેટલું ઓછું પડે... સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે વિનોદ જોષીની રચના....    



હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.


અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર,

અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર,

હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.


નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,

સૂર્યમંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,

હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.


દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,

મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન,

વિજાણંદનું હું જંતર, હું નરસૈંની પરભાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.


હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક

હું જ સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક

હું સંતોનું સૌમ્ય સ્મિત, હું તલવાર તેજની તાતી….

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.


હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર

મારે શિર ભારતમાતની આશિષનો વિસ્તાર

હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતી…

હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.


– વિનોદ જોષી



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.