Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - દિશાહિન શ્રદ્ધા ડૂબે છે....


  • Published By :
  • Published Date : 2024-04-25 17:56:53

કહેવાય છે કે શ્રદ્ધા માણસને જીવાડે છે... જીંદગીમાં જ્યારે મુશ્કેલ ઘડી આવે છે ત્યારે પોતાના ઈષ્ટમાં શ્રદ્ધા રાખી માણસ તે સમયને પાર કરી શકે છે.. પરંતુ અનેક વખત દિશાહિન શ્રદ્ધા માણસને ડૂબાડે છે... અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં સમય સારો હોય ત્યારે તેમની  પાસે જાહોજલાલી હોય, પરંતુ જ્યારે સમય ખરાબ હોય ત્યારે કફન માટે પણ પૈસા ના હોય.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં આવી જ કંઈ વાત કરવામાં આવી છે...    



દિશાહીન શ્રદ્ધા ડૂબે છે...


અમે જિન્દગીનાં ઘણાં અર્ધસત્યો,

ચિરંતન ગણીને ચણ્યા’તા મિનારા;

પરંતુ દિશાહીન શ્રદ્ધા ડૂબે છે,

મળ્યા ના સમંદર મહીં ક્યાંય આરા.


ઝૂરે છે નયન, પ્રાણ તડપી રહ્યા છે,

મિલનની ઘડી જાય છે આવનારા!

હવે વાર કરવી નકામી જ છે જ્યાં,

છૂપા કાળ કરતો રહ્યો છે ઇશારા.


ભટકતો રહ્યો છું મહારણ મહીં હું,

તૃષાતુર કંઠે લઈ કાળ કાંટા;

મળ્યા તો મળ્યા સાવ જૂઠા સહારા,

પડ્યા તો પડ્યા ઝાંઝવાંથી પનારા.


અમે કૈંક જોયા નજરની જ સામે,

ચમકતા હતા જેમના ભાગ્ય-તારા;

પરંતુ પતન જ્યાં થયું ત્યાં બિચારા,

કફન માપસરનું ન પામ્યા દુલારા.


કદાચિત મળી જાય મોતી અમૂલાં,

લઈ આશ મઝધાર આવ્યા હતા, પણ

નિહાળ્યું સમંદરનું રેતાળ હૈયું,

અને દૂર દીઠા છલકતા કિનારા.


પરાયા બનીને નિહાળી રહ્યા છે,

અમારા જીવનની હરાજીના સોદા;

અને તેય જાહેરમાં જે સ્વજનને

અમે માનતા’તા અમારા-અમારા.


‘જિગર’ કોઈની ના થઈ ને થશે ના,

સમયની ગતિ છે અલૌકિક – અજાણી;

અહીં કૈંક સંજોગના દોરડાથી

નથાઈ ગયા કાળને નાથનારા.


– જમિયત પંડ્યા ‘જિગર’ 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.