પથ્થરને જેટલો વધારે મારવામાં આવે તો તે શિલ્પ બહુ સારૂ બને. જેટલો પથ્થર હથોડીનો માર સહન કરે છે તે પથ્થરમાંથી સારી મૂર્તિ આકાર પામે છે. તેવી જ રીતે જિંદગીને પણ જેટલો સારો આકાર આપવો હોય તેટલી મઠારવી પડે છે. બાળક જ્યાં સુધી નાનું છે ત્યાં સુધી તેને બાળક રહેવા દેવું જોઈએ. બાળકને ખુલ્લાપણામાં શ્વાસ લેવા દે..
જો વધારે પૈસા હોય તો તેનો ઉપયોગ ક્યાં કરવો તે અંગે પણ કવિ પોતાની રચનામાં જણાવી રહ્યા છે. વધારે લોકો હાજર હોય ત્યારે દોસ્તોનો મજાક અનેક લોકો ઉડાડતા હોય છે પરંતુ બધાની હાજરીમાં તેની ખાનદાનીનો મલાજો રાખવાનો કવિ કહી રહ્યા છે. બધાની હાજરીમાં એમનો ઉપહાસ ન કરવી તેવું કવિ કહી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે હિતેન આનંદપરાની રચના...
હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે...
એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે
જો મઠારો જિંદગીને તો જ કંઇ નક્કર મળે...
ક્યાંક ખૂટે, ક્યાંક ટૂટે, તે છતાં લખતાં રહો
શક્ય છે આ માર્ગ પર, આગળ જતાં ઇશ્વર મળે...
બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.
પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે.
વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરના નવાં મંદિર, નવા આવાસ રહેવા દે.
મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું.
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.
જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.
તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારો સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.
પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
– હિતેન આનંદપરા






.jpg)








