દીકરીને આપણે વ્હાલનો દરિયો કહીએ.. દીકરીને આપણે સાક્ષાત દેવીનું રૂપ માનીએ છીએ.. અનેક ઘરોમાં દીકરીઓનું પૂજન થાય છે પરંતુ અનેક ઘરો એવા હોય છે જ્યાં દીકરીઓને તિરસ્કારથી જોવામાં આવે છે.. દીકરી નથી ગમતી હોતી.. દીકરી બોજા રૂપ લાગે છે.. બાળકીને માન સન્માન મળવું જોઈએ જેની તે હકદાર હોય છે.. પરંતુ ઘણા કિસ્સાઓમાં એવું નથી બનતું.. નાની નાની બાળકીને લોકો આજકાલ પોતાની હવસનો શિકાર બનાવે છે. દાહોદથી સામે આવેલો કિસ્સો આનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે દીકરીને સમર્પિત રચના... આ રચના કોની છે તેની અમને ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો...
પચરંગી ઓઢલી ઓઢણીમાં લાડકડી
હૈયામાં હરખાતી જાય
ઘમ્મરિયો ઘાઘરોને બોલતારા મીંઠડા
મુખડેથી મલકાતી જાય
કે દીકરી મારી.. કે દીકરી મારી...
આછેરી મલકાતી જાય,
કોયલનો કંઠ જીણો
મોરલાનો ટહુકો ભીનો
આસોની અજવાળી
રાત્રિનું તેજ ગણો
વહેલી પરોઢમાં ઉગમણે દ્વાર મારે
અજવાળા અજવાળા
કે દીકરી મારી... કે દીકરી મારી....
આછેરી મલકાતી જાય
મીઠડાએ બોલ તારા
લાગે છે સૌને પ્યારા
ઝરણાની જેમ વહે
તારામાં પ્રેમધારા
જીવતરના ઓરડામાં પગલાંની છાપ તારી
શુકનમાં પથરાતી જાય
કે દીકરી મારી.. કે દીકરી મારી...
આછેરી મલકાતી જાય...