Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.


  • Published By :
  • Published Date : 2024-05-10 16:19:15

જ્યારે કોઈ વખત આપણી ઈચ્છા પ્રમાણે ના થાય ત્યારે આપણે કહીએ કે ભગવાનની ઈચ્છા ના હતી..  ભગવાન પર રાખેલો વિશ્વાસ આપણને ક્યારેય અંદરથી નથી ટૂટવા દેતો.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે એવી રચના જેની પ્રાર્થના આપણે કરી હશે.., 



ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.

ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!


દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,

જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!


કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.

જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!


જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.

નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!


રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે.

દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!


વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે

ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!


રહે ઉન્મત્ત આનંદે, ખરું એ સુખ માની લે.

પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!


કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે

પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!


અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો

ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!


અહો શું પ્રેમમાં રાચે ? નહીં ત્યાં સત્ય પામે તું ?

અરે તું બેવફાઈથી ચડે નિંદા તણા નેજે.


લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,

અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.


વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,

વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે.


રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે

જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !


પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું.

પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !


કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ?

નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે !


– બાલાશંકર કંથારીયા



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે