Gujarati Literature- સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની રચના - શિવાજીનું હાલરડું...


  • Published By :
  • Published Date : 2024-02-19 16:11:34

આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી છે. છત્રપતિ શિવાજી મહારાજની વીરતા વિશે તો આપણે જાણીએ છીએ. તેમની વીરતા વિશે, તેમના શોર્ય વિશે જેટલું કહીએ એટલું ઓછું પડે તેમ છે. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની રચના જે કદાચ તમારામાંથી અનેક લોકોને આવડતી હશે...


શિવાજીને નીંદરૂ ના’વે…


આભમાં ઉગેલ ચાંદલો ને જીજીબાઈને આવ્યા બાળ

બાળુડા ને માત હિંચોળે

ઘણણણ ડુંગરા બોલે !

શિવાજીને નીંદરૂ ના’વે,

માતા જીજીબાઈ ઝૂલાવે.


પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લખમણની વાત

માતાજીને મુખ જે દી થી,

ઊડી એની ઉંઘ તે દી થી.

શિવાજીને નીંદરૂ ના’વે…


પોઢજો રે મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ

કાલે કાળા જુદ્ધ ખેલાશે

સુવાટાણું ક્યાંય ન રે’શે.

શિવાજીને નીંદરૂ ના’વે…


ધાવજો રે, મારા પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ

રહેશે નહીં, રણ ઘેલુડા

ખાવા મુઠ્ઠી ધાનની વેળા.

શિવાજીને નીંદરૂ ના’વે…


પેરી ઓઢી લેજો પાતળા રે ! પીળા – લાલ પીરોજી ચીર,

કાયા તારી લોહીમાં ના’શે

ઢાંકણ તે દી’ ઢાલનું થાશે.

શિવાજીને નીંદરૂ ના’વે…


ઘૂઘરા, ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો આજ,

તે દી તો હાથ રે’વાની

રાતી બંબોળ ભવાની.

શિવાજીને નીંદરૂ ના’વે…


લાલ કંકુ કેરા ચાંદલાને ભાલે તાણજો કેસર આડપ,

તે દી તો સિંદોરિયા થાપા

છાતી માથે ઝીલવા, બાપા.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતા ચોડે ચૂમીયું રે ! બાળા ઝીલજો બેવડ ગાલ,

તે દી તારા મોઢડા માથે

ઘુંવાધાર તોપ મંડાશે.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતાજીની ગોદમાં રે, તુંને હુંફ આવે આઠે પોર,

તે દી કાળી મેઘલી રાતે

વાયુ ટાઢા મોતના વાશે.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડા કેરી સેજ,

તે દી તારી વીર પથારી

પાથરશે વીશ ભુજાળી.

શિવાજીને નીંદરૂ ના’વે…


આજ માતાજીને ખોબલે રે, તારા માથડાં ઝોલે જાય,

તે દી તારે શિર ઓશીકાં

મેલાશે તીર બંધૂકા.

શિવાજીને નીંદરૂ ના’વે…


સૂઇ લેજે મારા કેસરી રે ! તારી હિંદવાણું જોવે વાટ,

જાગી વે’લો આવ બાલુડા

માને હાથ ભેટ બાંધવા.

શિવાજીને નીંદરૂ ના’વે…


જાગી વે’લો આવજે વીરા!

ટીલું માના લોહીનું લેવા.

શિવાજીને નીંદરૂ ના’વે,

માતા જીજીબાઇ ઝૂલાવે.


બાળુડાને માત હિંચોળે, ઘણણણ ડુંગરા બોલે !


 


– ઝવેરચંદ મેઘાણી




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"