Gujarati Literature - સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની રચના - કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-08 15:39:34

ગઈકાલે વિધાનસભામાં કુપોષિત બાળકોનો આંકડો રજૂ થયો હતો. માત્ર ગુજરાતમાં જ 5 લાખથી વધારે બાળકો કુપોષણનો શિકાર છે. દેશના ભાવિ કુપોષિત છે તે એક ચિંતાનો વિષય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની રચના પ્રસ્તુત કરવી છે... 


ધરતીને પટે પગલે પગલે


ધરતીને પટે પગલે પગલે

મૂઠી ધાન વિના નાનાં બાળ મરે,

પ્રભુહીન આકાશેથી આગ ઝરે :

અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે –

ત્યારે હાય રે હાય, કવિ ! તને પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે !


લથડી લથડી ડગલાં ભરતી,

લાખો નાર ગલી ગલીએ ફરતી

સારી રાત ભૂખે મજૂરી કરતી :

‘મારાં બાળ પરોઢિયે જાગીને માગશે ભાત’ વિચારી એ દેહ દમે –

ત્યારે હાય રે હાય, કવિ ! 

તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે !


મન ! છોડ નિહાળવા તારલિયા,

કાળાં કેદખાનાં કેરા જો સળિયા –

એનાં ક્રંદન શું નથી સાંભળિયાં ?

એની ભીતર મૌન એકાકી રિબાઈ રિબાઈ હજારોના પ્રાણ શમે –

ત્યારે હાય રે હાય, કવિ ! તુંને સાગરતીર કેરાં શેણે ગીત ગમે !

મહારોગ ને મૃત્યુના સાગરમાં

લાખો ચીસ-નિઃશ્વાસભર્યા જગમાં,

સિતમે સળગંત ધરા-તલમાં :

રસ-સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સુનેરી ભૂખ્યાં જનને –

ત્યારે હાય રે હાય, કવિ ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે ?દિનરાત જેઓની નસેનસમાં

પડે ઘોષ ભયંકર યંત્ર તણા,

પીએ ઝેરી હવા જે દમદમમાં,

એને શાયર શું ! કવિતા શું ! ફૂલો અને તારલિયામાં એ કેમ રમે !

ત્યારે હાય રે હાય, કવિ ! તુંને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે !

​

સારા વિશ્વની જે દી ક્ષુધા શમશે,

ભૂખ્યાં બાળુડાં પેટ ભરી જમશે,

પૂરી રોટી પ્રતિજનને જડશે :

કવિ ! તે દિન નીલ આકાશ તારા કેરી સુંદરતા સહુ સાર્થ બને,

તારાં કૂંજન આજ જલાવી દે, પ્રાણ ! રે દંભ ગાવા તને કેમ ગમે !

- ઝવેરચંદ મેઘાણીવિધાનસભામાં એવી પણ માહિતી આપવામાં આવી હતી કે કેટલી સરકારી શાળાઓ એક ઓરડામાં ચાલે છે વગેરે વગેરે... શિક્ષકોની ઘટ અંગેનો મુદ્દો અનેક વખત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં ઉઠાવ્યો છે. ત્યારે ટેટ ટાટ પાસ ઉમેદવારોને લઈ ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી વાત ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી છે.

પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. બે દિવસ માટે ખેડૂતોએ કૂચને રોકી દીધી હતી ત્યારે આજે ફરીથી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. પોલીસ તેમજ ખેડૂતો વચ્ચે આજે ઘર્ષણ થઈ શકે છે.

એક વીડિયો સામે આવ્યો છે સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે જેમાં રસ્તાના અભાવે દર્દીને ઝોળીમાં લઈને જવું પડે છે. અંદાજીત ત્રણ કિલોમીટર સુધી ઝોળીમાં દર્દીને લઈ જવા પડે છે અને તે બાદ એમ્બ્યુલન્સ પાસે પહોંચાય છે. બે સાંસદો હોવા છતાંય રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચાડી શક્યા! રોડ બનાવવા માટે સ્થાનિકો ઉગ્ર માગ કરી રહ્યા છે.

રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા અમીન સાયાનીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. તેમના પુત્ર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આવતી કાલે તેમના અંતિમ સંસ્કાર થશે તેવી માહિતી સામે આવી છે.