શિવસેનાઃ હિંદુત્વવાદ અને પ્રાંતવાદના વિચારથી જન્મેલી પાર્ટી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 21:03:57

STORY BY SAMIR PARMAR


ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની લડાઈ

 એકનાથ શિંદેના મતના ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીએ સાથે મળીને સરકાર બનાવતાની સાથે જ શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેની લડાઈ સુપ્રીમકોર્ટ સુધી પહોંચી ગઈ છે. શિવસેનાના પાર્ટીના ચિહ્ન મામલે પણ વિવાદ સર્જાયો છે. સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં છે ત્યારે આજે જમાવટ પર આજે આપણે શિવસેનાનો ઈતિહાસ સમજીશું. આપણે થોડું ઈતિહાસમાં જવું પડશે, તો ચાલો... 


બાલ ઠાકરેના સમયની શિવસેના 

મરાઠી લોકો માટે અલગ રાજ્યની માગ કરી આંદોલન કરનાર કાર્યકરના પુત્ર એટલે બાલ ઠાકરે. તેઓ સમાચાર પત્રોમાં રાજનીતિ પર તીખા ચિત્ર બનાવતા હતા. મહારાષ્ટ્રની જનતાને રોજગાર મેળવવા માટેના સંઘર્ષને જોતા તેમણે 19 જૂન 1966ના રોજ શિવસેના પક્ષનો પાયો નાખ્યો. તે સમયમાં મુંબઈ દેશની આર્થિક રાજધાની ગણાતી હોવાના કારણે લાખો લોકો રોજગારી મેળવવા માટે દેશના ખૂણે-ખૂણેથી આવીને મુંબઈ વસતા હતા. એટલે મહારાષ્ટ્રના લોકોને રોજગારીના ફાંફાં પડતા હતા તેવું બાલ ઠાકરેનું માનવું હતું. આ મુદ્દા માટે કામ કરવા અને મરાઠી લોકોનો પ્રાંતવાદ વધારવા માટે બાલ ઠાકેરેએ માર્મિક નામના સમાચાર પત્રની શરૂઆત કરાવી. મરાઠી લોકોને પડતી મુશ્કેલીઓ વિશે બાલ ઠાકરે આ સમાચાર પત્રમાં ખૂબ તીખી રીતે લખતા હતા અને ચિત્રો બનાવી વ્યંગ કરતા હતા. પાર્ટીની રચના બાદ તેમણે નારો આપ્યો હતો કે, "અંશી ટકે સમાજકરણ, 20 ટકે રાજકારણ" એટલે કે શિવસેના 80 ટકા સમાજસેવાનું કામ કરશે અને જે 80 ટકામાંથી સમાજકરણ નહીં થાય તો તેના માટે શિવસેના 20 ટકાની રાજનીતિ કરશે. આ સૂત્ર હેઠળ તે સમયે બાલ ઠાકરેનું માનવું હતું કે શિવસેના 100 ટકા લોકોનું ભલુ કરી શકશે. 


શિવસેનાના વાઘના પ્રતિકની ઘટના 

શિવસેનાના બે પ્રતિકો છે. શિવસેના પક્ષનું પ્રતિક વાઘ છે. શિવસેનાના વાઘનું ચિત્ર કોમ્યુનિસ્ટ પાર્ટીના એક ચિત્રકારે બનાવ્યું હતું જેમાં અંતિમ ફેરફારો બાલ ઠાકરેએ કર્યાં હતા. ચિત્રની અંદર મહારાષ્ટ્રનો નકશો છે અને અંદર શિવાજી મહારાજનું ચિત્ર બનાવેલું છે. જો કે શિવસેનાનું ચૂંટણી પ્રતિક ધનુષ અને બાણ છે. 


શિવસેના અને 20 ટકા રાજનીતિની વાર્તા

1971માં હિંદુવાદી અને ક્ષેત્રવાદી પક્ષ શિવસેનાએ ચૂંટણી લડી હતી. જો કે શિવસેના ચૂંટણીમાં કંઈ ખાસ મેળવી નહોતી શકી તે અલગ વાત છે. 1989માં શિવસેનાના પ્રથમ સાંસદ વિદ્યાધર સંભાજી ગોખલે ચૂંટાઈને લોકસભા પહોંચ્યા હતા. શિવસેનાએ વર્ષ 1990માં 183 બેઠકો પર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડી હતી, જેમાં શિવસેનાના 52 ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં પ્રવેશ મેળવ્યો હતો. અત્યાર સુધીમાં શિવસેનાના મનોહર જોશી, નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે. વર્ષ 2019 સુધી ઠાકરે પરિવારે કિંગમેકર તરીકેની ભૂમિકા નીભાવી હતી ત્યાર બાદ ઉદ્ધવ ઠાકરેના સમયગાળામાં શિવસેના નબળી પડતી ગઈ. ઉદ્ધવ ઠાકરેએ પોતાના પુત્ર આદિત્ય ઠાકરેને વિધાસભાની ચૂંટણી લડાવી હતી.


હિંદુત્વવાદી ભાજપ અને શિવસેનાની દોસ્તીની દાસતા

શિવસેનાએ 1989માં ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું. વર્ષ 2014 બાદથી શિવસેના અને ભાજપના સંબંધોમાં ખટાશ જોવા મળી છે. વૈચારીક સમાનતાની દ્રષ્ટિએ જોઈએ તો શિવસેના અને ભાજપ બંને જૂના મિત્રો છે. શિવસેના લોકપ્રિયતા વધતા પાર્ટીનું ઉદ્દેશ્ય મરાઠી લોકોના હિતમાંથી ખસીને હિંદુત્વવાદી વિચારધારા વધારવાનું થઈ ગયું હતું. શિવસેનાનો મુખ્ય ઉદ્દેશ્ય હિંદુત્વ અને પ્રાંતવાદ હતો. ભાજપની જેમ શિવસેના કટ્ટર હિન્દુ રાષ્ટ્રવાદી પક્ષ તરીકે જાણીતો છે. 


બાલ ઠાકરે, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે

જ્યારે બાલ ઠાકરે જીવીત હતા ત્યારે તેમના ભત્રીજા અને જમણો હાથ એટલે કે રાજ ઠાકરે શિવસેનાના કદ્દાવર નેતા હતા. તેમની વાકછટ્ટા અને વ્યવહારમાં બાલ ઠાકરેના અંદાજ દેખાતા હતા. જ્યારે પાર્ટીના નેતૃત્વની વાત આવી ત્યારે પિતા બાલ ઠાકરે હારી ગયા અને ભત્રીજાની જગ્યાએ પુત્ર ઉદ્ધવ ઠાકરેને શિવસેનાની જવાબદારી સોંપી દીધી. ત્યારથી જ  પાર્ટીમાં આંતરિક તકરાર શરૂ થઈ ગઈ હતી. બાલ ઠાકરેના નિર્ણયથી નારાજ રાજ ઠાકરેએ 2005માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામનો પક્ષ બનાવી લીધો હતો. પરંતુ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રદર્શનને જોતા એવું લાગે છે કે લોકોએ પક્ષને નકારી દીધો છે. 


ઉદ્ધવનો ડૂબતો સૂરજ 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન તોડ્યા બાદ શિવસેનાએ કોંગ્રેસ પક્ષ સાથે મહારાષ્ટ્ર સરકારની રચના કરી હતી. કોંગ્રેસ અને એનસીપી પાર્ટીના ગઠબંધન સાથે મહારાષ્ટ્ર સરકારની રચના કરાઈ હતી. ભાજપ સાથે પણ શિવસેના સરકાર બનાવી શકતી હતી પરંતુ અઢી-અઢી વર્ષના સમયગાળા માટે મુખ્યમંત્રીની બેઠક વહેચવાનો નિર્ણય લેવાતા ઉદ્ધવ ઠાકરેને મંજૂર નહોતું. જેથી ઉદ્ધવ ઠાકરેએ અઘાડી ગઠબંધન સાથે મળીને સરકાર બનાવી હતી. અઢી વર્ષ સરકાર ચાલી પરંતુ શિવસેનાના જમીની સ્તરના કાર્યકરોમાં ગઠબંધનથી રોષ હતો તેવું લોકોનું માનવું હતું. અંતે એકનાથ શિંદેના નૈતૃત્વમાં રોષ વ્યક્ત થયો. અચાનક શિવસેનાના 25 જેટલા નેતાઓને સુરતમાં લઈ જવામાં આવે છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં સૌથી મોટો બદલાવ આવે છે. તમામ નેતાઓની ટિકિટ કન્ફર્મ થાય છે અને હવાઈ માર્ગે તમામ ધારાસભ્યો ગુવાહાટીની ફાઈવ સ્ટાર હોટલમાં જાય છે. ત્યાંથી આવીને એકનાથ શિંદે સરકાર બનાવે છે અને 30 જૂન 2022ના રોજ મહારાષ્ટ્રના 20મા મુખ્યમંત્રી બને છે એકનાથ શિંદે.  


સુપ્રીમ કોર્ટમાં શિવસેના પાર્ટી 

ત્યારથી અત્યાર સુધી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે પાર્ટી મામલે તકરાર થઈ રહી છે. પક્ષ મામલે અને પક્ષના ચિહ્ન મામલે વિવાદ ચાલી રહ્યો છે અને 23 ઓગસ્ટના રોજ વિવાદ સુપ્રીમ કોર્ટના દ્વાર સુધી પહોંચી ગયો હતો. આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલે આગામી 27 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરશે અને પાર્ટીના ચૂંટણી ચિહ્ન મામલે નિર્ણય લેવામાં આવશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.