ગુજરાતીઓ હવે રમશે ફુટબોલ , શું કહ્યું પરિમલ નથવાણીએ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-25 22:22:42

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે. આ ચેમ્પિયનશીપની આરંભિક સિઝનની ભવ્ય સફળતા બાદ, GSFAને આ વર્ષની લીગમાં દર્શકોના ઉત્સાહ અને ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાત્મકતાના વધુ ઊંચા સ્તરની અપેક્ષા છે, જેનાથી આપણા રાજ્યમાં ફૂટબોલના વિકાસને વધુ વેગ મળશે.

આ બીજી ગુજરાત સુપર લીગની સીઝનમાં ૬ ટિમો આ મુજબ છે.  

1. અમદાવાદ એવેન્જર્સ (સાહિલ પટેલ અને શાલિન પટેલ)

2.  ⁠ગાંધીનગર જાયન્ટ્સ (પ્રશાંત સંઘવી અને અનન્યા સંઘવી))

3.  ⁠કર્ણાવતી નાઈટ્સ (અદ્વૈતા પટેલ અને યશ શાહ)

4.  ⁠સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (કુશલ પટેલ)

5.  ⁠સુરત સ્ટ્રાઇકર્સ (અલકેશ પટેલ)

6. વડોદરા વોરિયર્સ (કમલેશ ગોહિલ)  

તો હવે ગુજરાત સુપર લીગની બીજી સિઝનને લઇને ગુજરાત સ્ટૅટ ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા GSL ટ્રોફી અને ટિમ જર્સીનું અનાવરણ કરાયું છે . તો આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ કહ્યું છે કે , "“ગુજરાત સુપર લીગ તેની બીજી સિઝનમાં પ્રવેશી રહી છે અને તેના સાક્ષી બનવું એ મારા માટે ખૂબ આનંદની વાત છે. હું ગુજરાતમાં ફ્રેન્ચાઇઝ આધારિત ફૂટબોલના વિકાસમાં પોતાની સમર્પણભાવના અને રોકાણને જાળવી રાખવા બદલ તમામ ટીમ માલિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું. વધુમાં, હું ખેલાડીઓ, કોચ, પ્રાયોજકો, સહયોગીઓ અને મીડિયા સહિત તમામ હિતધારકોના મહત્વપૂર્ણ યોગદાનને પણ બિરદાવું છું, કારણ કે GSL પ્રારંભિક સિઝનને સફળ બનાવવાનું તેમના સહયોગ વિના શક્ય નહોતું. એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી કે ગુજરાતમાં ફૂટબોલની રમત હાલ તેની લોકપ્રિયતા અને વિકાસના એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહી છે.”

GSFA ના માનદ સચિવ શ્રી મૂળરાજસિંહ ચૂડાસમાએ GSLની બીજી સિઝનમાં તેની મેચોને મજબૂત પ્રતિસાદ સાંપડવા માટે આશાવાદ વ્યક્ત કર્યો અને લીગના ભાવિ વિસ્તરણ અને કદમાં અભિવૃદ્ધિ માટે તેમની મહેચ્છાઓ વ્યક્ત કરી હતી. યોગાનુયોગે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) અને ગુજરાત ટૂરિઝમ તરફથી પણ GSFAને સતત મજબૂત સમર્થન મળતું રહ્યું છે.GSL સિઝન 2માં રાજ્યની બહારના ખેલાડીઓ કે જેઓ અગાઉ I-લીગ અને સંતોષ ટ્રોફી જેવી ટોચની રાષ્ટ્રીય-સ્તરની ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે તેઓનો સમાવેશ કરાતા હવે તેમાં સ્પર્ધાત્મકતાનું વધુ ઊંચુ સ્તર જોવા મળશે. GSLની સાથે દર્શકોના યુવા વર્ગને જોડવા તેમજ તેની અપીલને વ્યાપક બનાવવા માટેની વ્યૂહાત્મક પહેલના ભાગરૂપે, GSFAએ નક્કી કર્યું છે કે 18 વર્ષથી ઓછી વયના વિદ્યાર્થીઓને તેમના માતાપિતા સાથે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત સુપર લીગ સિઝન 2ની ઉદ્દઘાટન મેચ આગામી 1 મે, 2025ના રોજ સાંજે 7:00 વાગ્યાથી ટ્રાન્સસ્ટેડિયા ખાતે શરૂ થશે. શું લાગે છે કે ,  અમદાવાદ એવેન્જર્સ કે ⁠કર્ણાવતી નાઈટ્સ , વડોદરા વોરિયર્સ કે ગાંધીનગર જાયન્ટ્સ , ⁠સુરત સ્ટ્રાઇકર્સ કે ⁠સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ કોણ મારશે બાજી . 




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.