સૌરાષ્ટ્રમાં રા' રાજાઓના સમયની એક કહેવાત છે "ઘર ફૂટે, ઘર જાય" ચૂંટણી પહેલા આ કહેવત ભાજપને લાગુ પડી શકે છે, કારણ કે સૌરાષ્ટ્રના ભાજપના જ નેતાઓ એકબીજાની સામે નિશાન તાકીને બેઠા છે. કહેવાતી શિસ્ત પાર્ટીમાં જ અશિસ્તતા નજરે પડી રહી છે કારણ કે અનેક નેતાઓ પોતાની પાર્ટીના જ રાજકીય હરીફોને પાછળ પાડવા મથી રહ્યા છે. ભાજપ જો ભીનું નહીં સંકેલે તો ચૂંટણીમાં માઠી અસરો થશે તે નક્કી જ છે તેવું લોકોનું માનવું છે. ચૂંટણી લડવા માટે ટિકિટ જાહેર કરવામાં આવશે ત્યારે જૂથવાદ ચરમસીમાએ આવી જશે તેવું દેખાઈ રહ્યું છે.
બોખરા-બાવળિયા બાખડ્યાં
ભરત બોઘરા અને કુંવરજી બાવળિયાનો કલેહ રાજકોટભરમાં જગજાહેર છે. બંને વચ્ચેના વિખવાદ મામલે અગાઉ સીઆર પાટીલને પણ નિવેદન આપવું પડ્યું હતું. સીઆર પાટીલે ભરત બોઘરાને સ્પષ્ટ ચૂચના આપી દીધી હતી કે જસદણથી કુંવરજી બાવળિયા જ લડશે. સીઆર પાટીલે ભરત બોઘરાને કુંવરજી બાવળિયાની ફરિયાદો બંધ કરવાની સ્પષ્ટ ચૂચના આપી હતી.
ગોવિંદ પટેલ અને પરેશ ગજેરા વચ્ચે ખટરાગ
ગોવિંદ પટેલ આમ તો સ્થાનિક પ્રશ્નો મામલે મુદ્દા ઉઠાવવામાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. થોડા સમય પહેલા પોલીસ કમિશનર મામલે પણ ગોવિંદ પટેલે જ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ નોંધાવી હતી. તેઓ રાજકોટ દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય છે અને પરેશ ગજેરા પણ આ બેઠકના પ્રબળ દાવેદાર મનાય છે. પરેશ ગજેરા ખોડલ ધામના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને પાટીદારોમાં સારી લોકપ્રિયતા ધરાવે છે.
દેવજી ફતેપરા અને મહેન્દ્ર મુંજપરાનો કંકાસ
વાત છે કોળી સમાજના આગેવાનોની સીઆર પાટીલ સાથેની બેઠકની. કુંવરજી બાવળિયાએ દેવજી ફતેપરાને ફોન કરી બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે જણાવ્યું હતું જ્યારે ફતેપરાએ ફોન પર કહી દીધું હતું કે, મુંજપરા આવતા હશે તો હું નહીં આવું. હું મહેન્દ્ર મુંજપરાનું મોઢું જોવા નથી માગતો.
આ સિવાય સૌરાષ્ટ્રના મોરબીમાં પણ કાંતિ અમૃતિયા અને બ્રિજેશ મેરજા વચ્ચે કજિયો છે. કાંતિ અમૃતિયાએ તો પ્રધાનમંત્રી મોદીને મળીને બ્રિજેશ મેરજાની ફરિયાદ કરી દીધી હતી.
ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી ટિકિટની વહેંચણી કરશે. ભાજપના કાર્યકરો અને નેતાઓ વચ્ચે જે ખટરાગ હશે તે ટિકિટ વહેંચણી સમયે ઉભરાશે. ભાજપના જન પ્રતિનિધિ નેતાઓ નારાજ થશે તો લોકોના બળે પણ અપક્ષમાં ચૂંટણી લડી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
                            
                            





.jpg)








